દેશ માટે ઘણું સહન કરવું પડે છેઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હીઃ નાગરિકતા કાયદા વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન મોદીએ ઈશારા-ઈશારામાં આને એક સાહસિક નિર્ણય ગણાવ્યો છે. ઉદ્યોગ જગતના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશને સંકટમાંથી કાઢવાની ઝુંબેશ સતત ચાલી રહ્યું છે, પરંતુ આ બધુ સરળ હોતું નથી. તેમણે કહ્યું કે ઘણું સહન કરવું પડે છે, પરંતુ દેશ માટે કરવું જ પડે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એસોચેમના એક કાર્યક્રમમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશને સંકટોથી મુક્તિ અપાવવાના ક્રમમાં ઘણા લોકોના ગુસ્સાને સહન કરવો પડે છે. આરોપો સહન કરવા પડે છે. પરંતુ આમ છતા દેશ માટે કરવું પડે છે. 70 વર્ષની ટેવ બદલવામાં સમય લાગે છે પરંતુ દેશ માટે કરવું પડે છે.

વડાપ્રધાન મોદીએ નાગરિકતા કાયદાનું સીધું નામ તો ન લીધું પરંતુ આડકતરી રીતે પોતાની વાતમાં તેનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ બધું એમ થોડું થયું હશે? ઘણા લોકોની નારાજગી સહન કરવી પડે છે, ઘણા લોકોનો ગુસ્સો સહન કરવો પડે છે. અલગ-અલગ પ્રકારના આરોપોમાંથી પસાર થવું પડે છે. પરંતુ આવું એટલા માટે શક્ય બની શકે છે કારણ કે દેશ માટે કરવાનું છે.

વડાપ્રધાન આ વાત અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં પોતાની સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર કહી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ઘણા લોકોની નારાજગી અને ગુસ્સો સહન કરવાની વાત નાગરિકતા કાયદા વિરુદ્ધ થઈ રહેલા ઉગ્ર પ્રદર્શન તરફ ઈશારો છે.

વડાપ્રધાને કહ્યું કે તેમની સરકાર દરેક વર્ગના લોકોનું સાંભળે છે. તેમણે કહ્યું કે આજે દેશભરમાં એ સરકાર છે કે જે ખેડૂતોનું સાંભળે છે, મજૂરોનું સાંભળે છે, વ્યાપારીઓનું પણ સાંભળે છે, ઉદ્યોગ જગતની વાત પણ સાંભળે છે. તેમની જરુરિયાતોને સમજવાનો પ્રયત્ન કરે છે અને તેમની ભલામણો પર કામ કરે છે.