ઈન્ટરનેટ પર પ્રતિબંધ કેવી રીતે લાગે છે? ભારત વિશ્વમાં મોખરે

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા વિરોધ ચાલી રહેલા પ્રદર્શનને પગલે દેશના અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા હાલ પૂરતી બેન કરી દેવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ સહિત બે થિંક ટેન્ક સંસ્થાઓના રિસર્ચ અનુસાર, ઈન્ટરનેટ બેન કરવા મામલે ભારત વિશ્વભરમાં સૌથી આગળ છે. પણ શું તમને ખબર છે કે, સરકાર ઈન્ટરનેટ પર શા માટે પ્રતિબંધ મુકવાનો નિર્ણય લે છે. ઈન્ટરનેટ સસ્પેન્ડ કરવાની એક આખી પ્રક્રિયા હોય છે, જેને અનુસરીને તેને બેન કરવામાં આવે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે, ભારતમાં ઈન્ટરનેટ સેવા કેવી બેન કરવામાં આવે છે.

કેવી રીતે મુકાઈ છે પ્રતિબંધ

  • કેન્દ્ર કે રાજ્યના ગૃહ સચિવ ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો ઓર્ડર આપે છે.
  • આ ઓર્ડર એસપી કે તેનાથી ઉપરી રેન્કના અધિકારી મારફતે આપવામાં આવે છે. ત્યારબાદ જવાબદાર અધિકારી સર્વિસ પ્રોવાઈડર્સ કંપનીઓને ઈન્ટરનેટ સર્વિસ બ્લોક કરવા માટે કહે છે.
  • ઓર્ડરને આગામી કામકાજના દિવસ (વર્કિગ ડે)ની અંદરમાં કેન્દ્ર કે રાજ્ય સરકારની રિવ્યૂ પેનલ પાસે મોકલવાનો હોય છે. આ રિવ્યૂ પેનલ 5 કામકાજના દિવસોમાં તેની સમીક્ષા કરે છે.
  • કેન્દ્ર સરકારના રિવ્યૂ પેનલમાં કેબિનેટ સેક્રેટરી, લો સેક્રેટરી અને ટેલિકોમ્યુનિકેશન્સ સેક્રેટરી સામેલ હોય છે. તો રાજ્ય સરકારે આપેલા આદેશમાં રિવ્યૂ પેનલમાં ચીફ સેક્રેટરી, લો સેક્રેટરી અને એક કોઈ અન્ય સેક્રેટરી સામેલ હોય છે.

ઈમરજન્સીની સ્થિતિમાં

ઈમરજન્સીની સ્થિતિમાં કેન્દ્ર કે રાજ્યના ગૃહ સચિવ દ્વારા અધિકૃત કરવામાં આવેલા જોઈન્ટ સેક્રેટરી ઈન્ટરનેટ બેન કરવા માટે આદેશ આપે છે. જોકે, એના માટે તેમણે 24 કલાકની અંદર કેન્દ્ર કે રાજ્યના ગૃહ સચિવ પાસેથી ઈન્ટરનેટ સેવા બંધ કરવાની મંજૂરી લેવી પડે છે.

2017 પહેલા અલગ નિયમો

વર્ષ 2017 પહેલા જિલ્લાના ડીએમ ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ આપી શકતા હતા. 2017માં સરકારે ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 હેઠળ ટેલિકોમ સેવાઓનું અસ્થાયી સસ્પેન્શન (પબ્લિક ઈમરજન્સી કે પબ્લિક સેફ્ટી) નિયમ તૈયાર કર્યા. ત્યારબાદ હવે માત્ર કેન્દ્ર કે રાજ્યના ગૃહ સચિવ અથવા તો તેમના દ્વારા અધિકૃત ઓથોરિટી જ ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ આપી શકે છે.