ઈમામોના પ્રમુખે RSSના ભાગવતને ‘રાષ્ટ્રપિતા’ તરીકે ઓળખાવ્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આજે અહીંની એક મસ્જિદની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન સંસ્થાના વડા ઉમર એહમદ ઈલ્યાસીને મળ્યા હતા. બંને વચ્ચે મસ્જિદમાં લગભગ એક કલાક સુધી બંધબારણે બેઠક યોજાઈ હતી. ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનની ઓફિસ એ જ મસ્જિદમાં આવેલી છે. તે બેઠક બાદ ઈલ્યાસીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘મોહન ભાગવત રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રઋષિ છે. તેઓ મારા આમંત્રણને માન આપીને મદરેસાની મુલાકાતે આવ્યા હતા અને ત્યાંના બાળકો સાથે વાતચીત કરી હતી.’

ભાગવતી સાથે આરએસએસના વરિષ્ઠ નેતાઓ – સંયુક્ત મહામંત્રી કૃષ્ણગોપાલ, રામલાલ અને ઈન્દ્રેશ કુમાર પણ હતા. રામલાલ અગાઉ ભાજપના મહામંત્રી હતા જ્યારે ઈન્દ્રેશ કુમાર મુસ્લિમ રાષ્ટ્રીય મંચના હોદ્દેદાર છે. ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન ભારતના ઈમામોના સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે.ત તે દુનિયામાં સૌથી મોટી ઈમામ સંસ્થા છે.