નવી દિલ્હી – પાકિસ્તાનને આપેલી ગર્ભિત ચેતવણીમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે જે લોકો ભારતની શાંતિ અને પ્રગતિને બગાડવાનો પ્રયાસ કરશે એમને ભારતના સૈનિકો જડબાતોડ જવાબ આપશે.
ભારત દેશ શાંતિપ્રિય છે, પણ તે એના આત્મસમ્માન તથા સાર્વભૌમત્વ પરના પ્રહારને કોઈ પણ હિસાબે સાંખી નહીં લે.
વડા પ્રધાન મોદીએ આ ટિપ્પણી આજે સવારે એમના માસિક મન કી બાત કાર્યક્રમ વખતે કરી હતી. આજે આ કાર્યક્રમની 48મી આવૃત્તિ હતી, જેનું આકાશવાણી (ઓલ ઈન્ડિયા રેડિયો), દૂરદર્શન ચેનલ તથા નરેન્દ્ર મોદી એપ પરથી સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદીના શાસનમાં, 2016માં ભારતીય સૈન્યએ પાકિસ્તાને કબજે કરેલા કશ્મીરમાં સક્રિય ત્રાસવાદી અડ્ડાઓનો નાશ કર્યો હતો. હજી બે જ દિવસ પહેલાં ભારતે તે સર્જિકલ હુમલાઓની બીજી વર્ષગાંઠ ઉજવી હતી.
એ સર્જિકલ સ્ટ્રાઈક્સની યાદ તાજી કરીને વડા પ્રધાને કહ્યું કે તે હુમલા ત્રાસવાદના અંચળા હેઠળ ભારત સામે કરવામાં આવેલા છમ્ન યુદ્ધને ભારતીય સેનાનો જડબાતોડ જવાબ હતો.
વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે યુનાઈટેડ નેશન્સ સંસ્થાની મહાસમિતિના સત્રમાં ભારત વિરુદ્ધના ત્રાસવાદને ટેકો આપવાનું ચાલુ રાખવા બદલ પાકિસ્તાનની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. સ્વરાજે કહ્યું હતું કે પાકિસ્તાનની આ હરકતને કારણે જ બંને દેશ વચ્ચે શાંતિ મંત્રણાની પ્રક્રિયા સ્થગિત થઈ ગઈ છે.