મોદી ‘જુમલા રાજા’ છે, એમનું શાસન છે ‘ચૌપટ રાજ’: રાહુલ ગાંધી

નવી દિલ્હી – નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર પર પોતાના આકરા પ્રહારો કરવાનું મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ચાલુ રાખ્યું છે. આજે એમણે વડા પ્રધાન મોદીને ‘જુમલા રાજા’ તરીકે ઓળખાવ્યા હતા અને એમના શાસનને ‘ચૌપટ રાજ’ નામ આપ્યું છે.

રાહુલે આ શબ્દો ટ્વિટર પર દર્શાવ્યા છે.

રાહુલે ઉત્તર પ્રદેશમાં બેરોજગારીની ગંભીર પરિસ્થિતિ અંગેના એક અખબારી અહેવાલને ટેગ કરીને રાહુલે વડા પ્રધાન મોદીને ટકોર કરી હતી.

તે અહેવાલમાં જણાવાયું છે કે ઉત્તર પ્રદેશમાં પીએચડી ડીગ્રી ધરાવતા યુવાનો ચોથા વર્ગની નોકરીઓ માટે અરજી નોંધાવી રહ્યા છે.

રાહુલે હિન્દીમાં કરેલા ટ્વીટમાં લખ્યું છે કે, ‘જુમલા રાજાના ચૌપટ રાજમાં ખેડૂતોને યોગ્ય વળતરના ભાવ મળતા નથી, યુવાનોને યોગ્ય નોકરીઓ મળતી નથી, મહેનત કરતા લોકોને માન મળતું નથી.’

બેરોજગારીના મુદ્દે રાહુલ ગાંધી અવારનવાર મોદીની ઝાટકણી કાઢતા રહે છે. અનેક વાર એમણે કહ્યું છે કે મોદીએ એમનું વચન પાળ્યું નથી. એમણે સત્તા પર આવતા પહેલાં વચન આપેલું કે દેશમાં દર વર્ષે બે કરોડ યુવાઓને નોકરી મળશે.