નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોકાણકારોને ભારતના શહેરી કેન્દ્રોમાં મૂડીરોકાણ કરવા માટે આમંત્રિત કર્યા છે, કેમ કે દેશનું લક્ષ્ય કોરોના રોગચાળાને કારણે ધીમા પડેલા અર્થતંત્રને વેગ આપવાનું છે. વડા પ્રધાન મોદીએ બ્લુમબર્ગ ન્યુ ઈકોનોમી ફોરમને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધતાં કહ્યું હતું કે જો તમે શહેરીકરણમાં મૂડીરોકાણ કરવા ઇચ્છતા હો તો ભારતમાં એ માટે ઊજળી તક છે, જો તમે ઊભરતાં માર્કેટમાં મૂડીરોકાણ કરવા ઇચ્છો છો તો ભારતમાં એ માટે અનેક ઊજળી તકો છે.
તેમણે કહ્યું હતું કે આ રોગચાળાએ દરેક ક્ષેત્રમાં નવા પ્રોટોકોલ વિકસિત કરવાની તક આપી છે. આપણે વિશ્વની કોવિડ-બાદની જરૂરિયાતો વિશેની તકોને ઝડપી લેવી જોઈએ, જેથી આપણાં શહેરોનો કાયાકલ્પ થઈ શકે. ભારત એક પસંદગીનું ગ્લોબલ મૂડીરોકાણ સ્થળ બનવામાં કોઈ કસર નહીં છોડે. શહેરી કેન્દ્રોના લાભાલાભ પર પ્રકાશ ફેંકતાં મોદીએ કહ્યું હતું કે રોગાચાળાએ ફરીથી આપણા સૌથી મોટા સ્રોત સમાજો અને વ્યવસાયોના રૂપમાં આપણા લોકો છે, એ સમજાવ્યું છે. તેમને પોષણક્ષમ બનાવવામાં આવવા જોઈએ.
તેમણે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, અફોર્ડેબલ હાઉસિંગ, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ (રેરા) અને 27 શહેરોમાં મેટ્રો રેલવે જેવી સુવિધા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે દેશમાં 2022 સુધીમાં દેશમાં 1000 કિલોમીટર સુધીની મેટ્રો રેલ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી રહી છે. અમે બે તબક્કાની પ્રક્રિયા દ્વારા 100 સ્માર્ટ શહેરોને પણ પસંદ કર્યાં છે. આ શહેરોમાં આશરે રૂ. બે લાખ કરોડ અથવા 30 અબજ ડોલરના પ્રોજેક્ટ તૈયાર છે. આ ઉપરાંત આશરે રૂ. 1.40,000 કરોડના પ્રોજેક્ટ પૂરા થઈ ગયા છે, એમ તેમણે રોકાણકારોને જણાવ્યું હતું.