નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી સ્વચ્છ ભારત મિશન યોજનાને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ યોજનાને સફળ બનાવવા માટે અને પર્યાપ્ત ધન એક્ત્ર કરવા કેન્દ્ર સરકારે તમામ પ્રકારની સેવાઓ પર 0.5 ટકા સ્વચ્છ ભારત સેસ (વધારોનો ટેક્સ) લાગુ કર્યો હતો. આ સેસ વર્ષ 2015થી લાગુ કરવામાં આવ્યો હતો. બદલાયેલી નીતિઓની સાથે નાણાંમંત્રાલયે જીએસટીને યોગ્ય તરીકે લાગુ કરવા ધીમેધીમે ઘણા બધા ટેક્સને નાબૂદ કરી દીધા.
જે હેઠળ કેન્દ્ર સરકારે જુલાઈ 2017માં સ્વચ્છ ભારત સેસને પણ સમાપ્ત કરી દીધો હતો. ત્યારે સ્વચ્છ ભારત સેસને લઈને થયેલી એક આરટીઆઈના જવાબમાં સરકારે ચોંકાવનારી વિગતો રજૂ કરી છે.
નાણાંમંત્રાલય હેઠળ આવતા મહેસૂલ વિભાગના સિસ્ટમ અને ડેટા પ્રબંધન વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર જૂલાઈ 2017 બાદ પણ સ્વચ્છ ભારત સેસ વસૂલવામાં આવી રહ્યો છે. ધ વાયરના અહેવાલ મુજબ વર્ષ 2017થી 30 સપ્ટેમ્બર 2018 સુધીમાં સ્વચ્છ ભારત સેસના નામે કેન્દ્ર સરકારે 4,391.47 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં કેન્દ્રીય પ્રધાને જ સ્વચ્છ ભારત સેસને સમાપ્ત કર્યો હોવાની જાણકારી આપી હતી. રાજ્ય નાણાંપ્રધાન શિવ પ્રતાપ શુક્લાએ 6 માર્ચ 2018ના રોજ રાજ્યસભામા પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, 1 જૂલાઈ 2017થી સ્વચ્છ ભારત સેસ અને કૃષિ કલ્યાણ સેસને ખતમ કરી દેવામાં આવ્યાં છે. તેમ છતાં પણ સપ્ટેમ્બર 2018 સુધી સ્વચ્છ ભારત સેસ વસૂલવામાં આવ્યો હતો.
સ્વચ્છ ભારત સેસને 2015માં લાગુ કરાયા બાદથી સરકારે વર્ષ 2018 સુધીમાં કુલ 20,600 કરોડ રૂપિયાનો કર વસૂલ્યો હતો. સરકારનો દાવો છે કે, સેસમાંથી મેળવેલ નાણાંનો સ્વચ્છ ભારત મિશન હેઠળ ચાલતી જૂદી જૂદી પરિયોજનાઓમાં ખર્ચ કરવામાં આવે છે. જેમાં શૌચાલય નિર્માણ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને પ્રશાસનિક ખર્ચનો સમાવેશ થાય છે.
આરટીઆઈમાં સેસમાંથી વસૂલ કરેલી રકમને ખર્ચ કરવાની રીતો અંગે પણ માહિતી માંગવામાં આવી હતી. પરંતુ પેયજલ અને સ્વચ્છતા મંત્રાલયે આ અંગેની પૂરી જાણકારી આપી ન હતી. માત્ર ખર્ચ કરેલી રકમ અંગે જ જાણકારી આપી હતી. જેમાં મંત્રાલયે જણાવ્યું કે, સ્વચ્છ ભારત મિશન હેઠળ વર્ષ 2015-16માં 2400 કરોડ, વર્ષ 2016-17માં 10,500વ કરોડ રૂપિયા અને વર્તમાન નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં 3400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.