લોકસભામાં સરોગેસી વિધેયક 2016 ધ્વનિમતથી પારિત

નવી દિલ્હીઃ લોકસભામાં સરોગેસી વિધેયક 2016 ધ્વનિમતથી પારિત થઈ ગયું. આ વિધેયક સરોગેસીના પ્રભાવી નિયમને સુનિશ્ચિત કરશે, વ્યાવસાયિક સરોગેસીને પ્રતિબંધિત કરશે અને નિઃસંતાન ભારતીય દંપતિઓની જરુરિયાતો માટે સરોગેસીની મંજૂરી આપશે. એટલે કે સરોગેસી હવે વ્યવસાય નહી થઈ શકે પરંતુ પરોપકારનું એક સાધન જ રહેશે. એક મહિલા પોતાની લાઈફ સાઈકલમાં માત્ર એક વાર કોઈ માટે સરોગેસી કરી શકશે.

સરોગેસી બિલ અનુસાર એવા દંપતીઓ કે જેમાંથી એક અથવા બંન્ને માતા-પિતા બનવામાં સક્ષમ ન હોય અથવા કોઈ કારણોસર જેમના બાળકો ન હોય તે લોકો સરોગેસીની મદદ લઈ શકે છે. આમાં અપવાદ રુપે એવા કપને શામીલ કરવામાં આવ્યા છે કે જેમના બાળકો માનસિક અથવા શારીરિક રુપે સક્ષમ નથી અથવા કોઈ ગંભીર બિમારીથી પીડિત છે.

સરોગેસી બિલે એવા લોકોને પણ ચિન્હિત કર્યા છે જેમને સરોગેસીની મંજૂરી નહી મળે. બિલ અનુસાર સિંગલ પુરુષ અને સ્ત્રીઓ, અવિવાહિત કપલ, અને હોમોસેક્શ્યુઅલ લોકોને સરોગેસીની મંજૂરી નહી મળી શકે.

સરોગેસી બિલના સૌથી પ્રમુખ પ્રાવધાનોમાંથી એક એ છે કે કોઈની મદદથી કોમર્શિયલ સરોગેસી પર રોક લગાવવામાં આવી છે. આ અંતર્ગત સરોગેસીની મદદ લઈ રહેલા લોકો આના માટે માત્ર એક મહિલાનો મેડિકલ ખર્ચ અને ઈન્શ્યોરન્સ કવરેજની જ ચૂકવણી કરી શકશે. સરોગેસી કરનારી મહિલા તે દંપતીના નજીકના સગામાં હોવી જોઈએ અને તેની ઉંમર 25-35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ સીવાય તે મહિલાનું એક બાળક હોવું જોઈએ.

સરોગેસી બિલ અનુસાર હવે કોઈ મહિલા જીવનમાં માત્ર એક વાર જ સરોગેસીની મદદથી અન્ય દંપતિ માટે બાળકને જન્મ આપી શકશે. આ નવા પ્રાવધાનથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો એ જૂનો નીયમ ખતમ થઈ જશે કે જેમાં મહિલાને પોતાના બાળક સહિત પાંચ વાર સુધી બાળકોને જન્મ આપવાની અનુમતિ મળતી હતી.

સરોગેસી બિલ અનુસાર આ નિયમોને કડક બનાવી દેવામાં આવ્યા છે. જો કોઈ સરોગેસીના પ્રાવધાન તોડશે તો આના ઈચ્છુક દંપતી અને સરોગેટ મધરને ક્રમશઃ 5 થી 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ સીવાય 5 થી 10 લાખ રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. જો કોઈ મેડિકલ પ્રક્ટિશનર આ નિયમોને તોડતા જણાશે તો તેને ઓછામાં ઓછી પાંચ વર્ષની સજા અને 10 લાખ સુધીનો દંડ ભરવો પડી શકે છે.

હકીકતમાં સરકારે આ બિલના માધ્યમથી વ્યાવસાયિક સરોગેસી પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જે.પી.નડ્ડાએ કહ્યું કે વ્યાવસાયિક સરોગેસીને પ્રતિબંધિત કરવાની વિધિ આયોગની ભલામણ બાદ આ વિધેયક લાવવામાં આવ્યું છે. તૃણમૂલ કોંગ્રેસની કાકોલી ઘોષે આ વિધેયકનું સમર્થન કર્યું પણ સાથે જ જણાવ્યું કે આને ઉતાવળમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે સમલૈંગિકો અને સમાન લિંગના દંપતિઓ માટે વિકલ્પોની મંજૂરી આપી આની સીમા વધારવાની માંગણી કરી. તેમણે જણાવ્યું કે પોતાના શરિરને શેપમાં રાખવાના ઉદ્દેશ્યથી સરોગેસીનો ઉપયોગ કરનારા પર રોક લગાવવી જોઈએ.

તેમણે જણાવ્યું કે આપણા દેશમાં ચાલી રહેલી ફેશન સરોગેસી પર રોક લગાવવી જોઈએ. તેમણે જણાવ્યું કે હું નામ નથી લેવા ઈચ્છતી પરંતુ ફિલ્મ સ્ટાર અને તેમના સગા માત્ર આના માટે સરોગેટ મધરનો ઉપયોગ કરે છે કારણ કે તે પોતાની બોડીના શેપને બગાડવા નથી ઈચ્છતા. આ પ્રકારની ફેશન સરોગેસી પર રોક લગાવવી જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]