ગુજરાત-અસમના મુખ્યપ્રધાનોને જગાડ્યાં, મોદીને પણ જગાડીશુંઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ અને છત્તિસગઢની કોંગ્રેસ સરકારો દ્વારા ખેડુતોના દેવામાફીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ ભાજપ શાસીત રાજ્ય ગુજરાતમાં 6.22 લાખ લોકોને વિજળીનું બિલ અને અસમમા આઠ લાખ ખેડુતોનું દેવું માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બીજેપી સરકારના આ નિર્ણયો પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે કોંગ્રેસ, ગુજરાત અને અસમના મુખ્યપ્રધાનોને ઉંઘમાંથી જગાડવામાં સફળ રહી. પરંતુ વડાપ્રધાન હજી ઉંઘી રહ્યા છે. અમે તેમને પણ જગાડીશું.

ઉલ્લેખનીય છે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનતા જ ખેડુતોનું 41 હજાર 100 કરોડ રુપિયાનું દેવું માફ કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસે વાયદો કર્યો હતો કે જેવા અમે સત્તામાં આવીશું કે તરત ખેડુતોનું દેવું માફ કરી દઈશું. ત્યારબાદ બીજેપીની અસમ સરકારે આંઠ લાખ ખેડુતોનું 600 કરોડ રુપિયા જેટલું દેવું માફ કરી દીધું અને ગુજરાત સરકારે 6.22 લાખ લોકોનું 625 કરોડ રુપિયા જેટલું વિજળી બિલ માફ કરી દીધું. ત્યારબાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે કોંગ્રેસ ગુજરાત અને અસમના મુખ્યપ્રધાનોને ઉંડી નીંદરમાંથી જગાડવામાં સફળ થઈ છે.

આપને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે વડાપ્રધાન મોદી પર દબાણ બનાવીને દેશના તમામ ખેડુતોનું દેવું માફ કરાવીશું. રાહુલે જણાવ્યું કે કામ શરુ થઈ ગયું. અમે 10 દિવસમાં ખેડુતોનું દેવું માફ કરવાનો વાયદો કર્યો હતો.

ત્યારબાદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે મધ્યપ્રદેશ, છત્તિસગઢમાં અમારી નવી સરકારોએ ખેડુતોનું દેવું માફ કરવામાં છ કલાક પણ નથી લીધા, પરંતુ મોદીજી પાસે સાડા ચાર વર્ષ હતા. તેમણે દેશના ખેડુતોનો એક રુપિયો પણ માફ ન કર્યો. જ્યાં સુધી દેશના તમામ ખેડુતોનું દેવું માફ ન થઈ જાય ત્યાં સુધી અમે મોદીજીને ઉંઘવા નહી દઈએ.