મુંબઈ, દિલ્હીમાં બીબીસીની ઓફિસ પર આવકવેરા-વિભાગનો દરોડો

મુંબઈઃ આવકવેરા વિભાગે બ્રિટનની રાષ્ટ્રીય બ્રોડકાસ્ટર કંપની બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ની મુંબઈ તથા દિલ્હીમાંની ઓફિસો પર આજે દરોડો પાડ્યો છે. દિલ્હીમાં કસ્તુરબા ગાંધી માર્ગ પર અને મુંબઈમાં સાંતાક્રુઝ ઉપનગરમાં આવેલી બીબીસીની ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓને પોતપોતાના ઘેર જવાનું કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઓફિસોને સીલ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બીબીસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ મૂકતી બનાવેલી બે-ભાગવાળી એક દસ્તાવેજી ફિલ્મને કારણે થયેલા ઉહાપોહને પગલે આવકવેરા વિભાગે આ દરોડો પાડ્યો છે.

અહેવાલો અનુસાર, બીબીસીના કર્મચારીઓના મોબાઈલ ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.

મોદી સરકારે આ દસ્તાવેજી ફિલ્મને એક પ્રકારના પ્રચાર તરીકે ગણાવીને ભારતમાં તેના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ દસ્તાવેજી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગણી કરતી એક પીટિશનને સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે નકારી કાઢી હતી.