વિદેશમાંથી બળાત્કારીઓને તાણી લાવી જેલભેગાં કરનાર આ લેડી સિંઘમ…

કોલ્લમઃ ભારતની કરુણ વાસ્તવિકતા છે કે બળાત્કારની ઘટનાઓ સામે ગમેતેટલો ઊહાપોહ મચાવીએ તોય આ દૂષણ સામાન્ય થઈ ગયું છે. આવા વાતાવરણ વચ્ચે એક મહિલા પોલીસ અધિકારી એવી છે જે બળાત્કારીઓને વિદેશથી પણ ખેંચી લાવી એમના કુકર્મોની સજા અપાવવા કટિબદ્ધ રહે છે.

એ જાંબાઝનું નામ છે મરિન જોસેફ. અત્યારે કેરળના કોલ્લમમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતી મરિન તાજેતરમાં સાઉદી અરબ જઈ ત્યાં છુપાયેલી એક બાળકીના બલાત્કારીને પકડી લાવી છે. આવા કામને લીધે સોશિયલ મિડિયા પર મરિનને સારી એવી લોકપ્રિયતા મળી છે.

મરિન આમ તો છાપે પહેલીવાર ત્યારે ચડી હતી જ્યારે કેટલાંક વરસો અગાઉ કોઈ મિડિયા હાઉસે દેશની દસ સુંદર મહિલા આઈપીએસ અધિકારીઓની સૂચિ બહાર પાડી હતી. આવી સૂચિ સામે મરિને વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે એમનું પણ નામ એ સૂચિમાં સામેલ હતું.

મરિને વિરોધમાં કહ્યું હતું કે મહિલાઓને એમના દેખાવને આધારિત આંકવા સામે એમની ભારે આપત્તિ છે. મરિનનાં આવાં નિવેદન ટ્રેન્ડ કરવા લાગ્યા ત્યારે લોકોએ એમના વિશે જાણવાની શરૂઆત કરી, જેમાં એમનો શાનદાર રેકોર્ડ ને કાબેલિયત પણ સામે આવ્યા.

1990માં જન્મેલી મરિન 25 વર્ષની ઉંમરે પહેલા જ પ્રયાસમાં આઈપીએસ બની ગઈ હતી.