આગામી સપ્તાહથી દૂધ-દહીં સહિત અનેક ચીજવસ્તુઓ મોંઘી થશે

નવી દિલ્હીઃ સતત વધતી મોંઘવારીની વચ્ચે આમ જનતાને ફરી ઝટકો લાગવાનો છે. દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓની વધતી કિંમતોની અસર ઘરેલુ બજેટ પર થાય છે. ખાદ્ય પદાર્થો જ નહીં, પણ જીવનજરૂરિયાતની કોમોડિટીની ચીજવસ્તુઓની સતત વધતી કિંમતોથી એ આમ આદમીની પહોંચની બહાર થઈ રહી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે હવે આમ આદમીએ વધુ નાણાં ખર્ચવા પડશે, GSTની 47મી બેઠક પછી નાણાપ્રધાન નિર્મલા સીતારામને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાંક નવાં ઉત્પાદનો અને કેટલીક ચીજવસ્તુઓ અને સર્વિસ પર GSTના દરો 18 જુલાઈથી વધી જશે.

18 જુલાઈથી પ્રી-પેકેજ્ડ લેબલવાળાં કૃષિ ઉત્પાદનો જેવાં કે પનીર, લસ્સી, છાસ, પેકેજ્ડ દહીં, ઘઉંનો લોટ, અન્ય અનાજ, મધ, પાપડ. માંસ, માછલી (ફ્રોઝન સિવાય) મમરા અને ગોળ જેવી પ્રોડક્ટ મોંઘી થઈ જશે- એટલે કે આના પરનો ટેક્સનો દર વધારવામાં આવ્યો છે.

હાલમાં બ્રાન્ડેડ અને પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર પાંચ ટકા GST લાગે છે, જેમાંની કેટલીક ચીજવસ્તુઓ પરનો GST વધારી દેવામાં આવ્યો છે. નીચેની કેટલીક મહત્ત્વની ચીજવસ્તુઓ પર GST વધારવામાં આવ્યો છે.

  • ટેટ્રા પેકવાળા દહીં, લસ્સી અને છાસ પર 18 જુલાઈથી પાંચ ટકા GST લાગશે. 
  • ચેક બુક જારી કરવા બેન્કોની તરફથી લેવામાં આવતી ફીસ પર 18 ટકા GST લાગશે.
  • હોસ્પિટલમાં રૂ. 5000 (નોન-ICU)થી વધુ ભાડાના રૂમ પર પાંચ ટકા GST લાગશે.
  • હોટલોમાં પ્રતિ દિન રૂ. 1000થી ઓછા ભાડાના રૂમ પર હવે 12 ટકા GST લાગશે.
  • LED લાઇટ્સ, LED લેમ્પ પર 18 ટકા GST લાગશે, જે પહેલાં નહોતો લાગતો.