મમતા PM મોદીના બંગલાદેશ-પ્રવાસની ચૂંટણીપંચમાં ફરિયાદ કરશે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ અને આસામમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાન જારી છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ચૂંટણી દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બંગલાદેશની યાત્રા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આ ચૂંટણીમાં વડા પ્રધાન પર આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. ખડગપુરમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે અહીં ચૂંટણી ચાલી રહી છે અને વડા પ્રધાન બંગલાદેશ જાય છે અને ત્યાં બંગાળ પર લેક્ચર આપે છે. આ ચૂંટણીમાં આચારસંહિતાનું સંપૂર્ણ રીતે ઉલ્લંઘન છે.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે મમતા બેનરજીએ કહ્યું હતું કે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે એક બંગલાદેશના અભિનેતાએ અમારી રેલીમાં ભાગ લીધો હતો તો ભાજપે બંગલાદેશ સરકારથી વાત કરી અને તેના વિઝા રદ કરી દીધા હતા. હવે અહીં ચૂંટણી થઈ રહી છે તો તમે (મોદી) બંગલાદેશમાં જઈને લોકોને એક વર્ગથી મત માગી રહ્યા છો? તમારા વિઝા રદ કેમ ના કરવામાં આવે? અમે ચૂંટણી પંચથી એની ફરિયાદ કરીશું.

ક્યારેક-ક્યારેક તેઓ કહે છે કે મમતા બેનરજીએ બંગલાદેશથી લોકોને અહીં લાવીને ઘૂસણખોરી કરાવી છે, પણ વડા પ્રધાન પોતે વોટનું માર્કેટિંગ માટે બંગલાદેશ જઈ રહ્યા છે. ભાજપ બહારથી ગુંડાઓ લાવી રહી છે. એટલા માટે રાજ્યની મહિલાઓને અપીલ કરું છું કે આ તોફાની તત્વોને પૂરી તાકાતથી સામનો કરો.

પશ્ચિંમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાઈ રહી છે. પહેલા તબક્કામાં 30 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જ્યાં કુલ 191 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.