નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અજિત પવારની પ્રશંસા કરી છે. શિવસેનાના મુખપત્ર સામનાને આપેલા ઇન્ટરવ્યુમાં ઉદ્ધવે મહારાષ્ટ્ર સરકારમાં ડેપ્યુટી CM અજિત પવારને ઇમાનદારીથી કામ કરવાવાળા નેતા ગણાવ્યા છે. તેમણે અજિત કુશળ વહીવટકાર જણાવતાં કહ્યું હતું કે રાજ્યમાં જ્યારે પણ મહાવિકાસ આઘાડીની સરકાર હતી, ત્યારે તેમણે તેમની જવાબદારીવાળા વિભાગ બહુ સારી રીતે સંભાળ્યા હતા.
બીજી બાજુ NCP પર અજિત પવારના દાવાને લઈને ચૂંટણી પંચે શરદ પવાર પાસે જવાબ માગ્યો છે. અજિતની સાથે ત્રણ મુલાકાત પછી શરદ પવારનું વલણ નરમ પડ્યું છે. પવારના નરમ વલણે તેમના ટેકેદાર વિધાનસભ્યોને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે. ઉદ્ધવે પણ અજિત પવારની ઓફિસ પહોંચીને મુલાકાત કરી હતી. પહેલાં મુલાકાત અને હવે પ્રશંસા- ક્યાંક આ મહારાષ્ટ્રમાં બનતા નવા સમીકરણનાં તો એંધાણ નથી?
ઉદ્ધવ ઠાકરે શિવસેનાના બે ફાડિયામાં અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે, ત્યારે તેઓ ક્યારેક શરદ પવારની સાથે દેખાય છે તો ક્યારેક તેઓ NCPમાં પડેલી તિરાડનું કારણ માનતા અજિત પવારની પ્રશંસાના પૂલ બાંધી રહ્યા છે, ત્યારે સવાલ એ થાય કે તેઓ મધ્યસ્થની ભૂમિકા તો નથી ભજવી રહ્યા?
આવું એટલા માટે કે અજિત પવાર પાછલા દિવસોમાં સતત ત્રણ દિવસથી શરદ પવારને મળી રહ્યા છે. જે પછી શરદ પવાર કૂણા પડ્યા છે. બીજી તરફ આ ઘટનાક્રમ દરમ્યાન ઉદ્ધવ ઠાકરે શરદ પવારની સાથે ઊભા હતા. રાજકીય ક્ષેત્રે એ અટકળો ચાલી રહી છે કે શું અજિતને સહારે ઉદ્ધવ ક્યાંક NDAમાં વાપસી કરવાના પ્રયાસ નથી કરી રહ્યા?