મુંબઈઃ મહારાષ્ટ્રમાં વીજળી સપ્લાઈ કરતા મહામંડળનું ખાનગીકરણ કરવાના વિરોધમાં મહાવિતરણ, મહાજેન્કો અને મહાટ્રાન્સ્કો – એમ ત્રણ વીજપૂરવઠો પૂરો પાડતી કંપનીઓના કર્મચારીઓએ આજથી ત્રણ દિવસ હડતાળ પર ઉતરી ગયા છે. તેઓ આજે 4 જાન્યુઆરીની મધરાતથી 6 જાન્યુઆરીની મધરાત સુધી – 72-કલાક સુધી કામ પર હાજર થવાના નથી. આ હડતાળને કારણે રાજ્યમાં અનેક ભાગોમાં બત્તી ગુલ થઈ ગઈ છે. હડતાળમાં કર્મચારીઓ તેમજ અધિકારીઓ, એમ સૌ જોડાયા છે. એને કારણે મહારાષ્ટ્રમાં, ખાસ કરીને મુંબઈની પડોશના થાણે અને નવી મુંબઈમાં તેમજ રાજ્યના અનેક ભાગોમાં વીજપૂરવઠો ખંડિત થવાની પૂરી સંભાવના છે. આ હડતાળમાં 86,000થી વધારે કર્મચારીઓ તથા 42,000 જેટલા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ અને સિક્યુરિટી ચોકીદારો પણ જોડાયા છે.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીને વીજ વિતરણ લાઈસન્સ આપવાની હિલચાલ મહારાષ્ટ્ર સરકારે શરૂ કર્યાનો આરોપ મૂકીને મહાવિતરણ કંપનીના કર્મચારીઓએ હડતાળનું એલાન કર્યું છે. વીજ કર્મચારીઓના 30થી વધારે સંગઠનો આ હડતાળમાં સહભાગી થવાના છે. વીજકંપનીઓના એન્જિનીયરો, ટેક્નિશિયનો તથા કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે. એને કારણે શિંદે-ફડણવીસ સરકારની તકલીફ વધી શકે છે.
જોકે સરકારે આ કર્મચારીઓ-અધિકારીઓને નોટિસ આપી છે કે જો તેઓ હડતાળ પર જશે તો એમની સામે અત્યાવશ્યક સેવાઓને લગતા કાયદા (MESMA) અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. તે ઉપરાંત હડતાળ પર ન જવાની સરકારે કર્મચારીઓને વિનંતી પણ કરી છે. પરંતુ, કર્મચારીઓએ કહ્યું છે કે અમે હડતાળ પર જવા વિશે સરકારને 15-દિવસ પૂર્વે નોટિસ આપી હતી તેથી એમનું આંદોલન નિયમસરનું છે.