મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની સરકાર બનવાનું લગભગ નક્કી છે. કોંગ્રેસ અને એનસીપીની બેઠક બાદ પૃથ્વીરાજ ચૌહાણ અને નવાબ મલિકે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને આની જાહેરાત કરી છે. આશરે 2 કલાકથી વધારે ચાલેલી બેઠક બાદ જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ અને નવાબ મલિક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યા તો લાગ્યું કે તેઓ કોઈ મોટી જાહેરાત કરશે. જાહેરાત થઈ પણ ખરી, પરંતુ કહ્યું કે સ્થીર સરકાર બનશે પરંતુ હજી કેટલીક ચર્ચાઓ બાકી છે. એ વાત સત્ય છે કે શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર બનવી સરળ નથી. જાહેરાત છતા ઘણા સવાલો હજી ઉઠી રહ્યા છે.
આ પ્રશ્નોના જવાબ હજી બાકી…
સરકારના ગઠન મુદ્દે વાત ક્યાં અટકી છે?
શું કોંગ્રેસ શિવસેનાને લઈને મુંઝવણમાં છે?
શું ત્રણેય દળો પોત-પોતાના વૈચારિક મતભેદ ભુલાવી શકશે?
ત્રણેય પાર્ટીઓ વચ્ચે સંયુક્ત કાર્યક્રમની વાત પણ થઈ ચૂકી છે, સરકારનો ફોર્મ્યુલા પણ આવી ચૂક્યો છે પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે શિવસેનાએ ક્યાંક પોતાના મુદ્દા થોપવા માટેના પ્રયત્નો કર્યા તો કોંગ્રેસ બહાર આવી શકે છે. એનસીપી એક મજબૂત બ્રીજ બનવાના પ્રયત્નોમાં જોડાયેલું છે. એ વાત સ્પષ્ટ છે કે જો સરકાર બનશે તો ફોર્મ્યુલા જેપણ હોય, મુખ્યમંત્રી પદ પહેલા શિવસેનાને જશે. સંજય રાઉતે પણ આ બેઠક બાદ આ પ્રકારનો વિશ્વાસ વ્યક્ત કર્યો.