‘રામન ઇફેક્ટ’ ના જ્ઞાતા સી. વી. રામન વિજ્ઞાન માટે નોબેલ જીતનાર એકમાત્ર ભારતીય

નવી દિલ્હી: આજે વૈજ્ઞાનિક સી.વી. રામન- ચંદ્રશેખરન વેંકટ રામનની પુણ્યતિથિ છે. વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર ભૌતિકશાસ્ત્રી સી.વી. રામન પ્રકાશ ક્ષેત્રે તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. વિજ્ઞાનક્ષેત્ર માટે નોબેલ પુરસ્કાર મેળવનાર તે એકમાત્ર ભારતીય છે.

ભારતને વિજ્ઞાનના ક્ષેત્રમાં ઊંચાઈએ પહોંચાડવામાં તેમનો ખૂબ મોટો ફાળો છે. સીવી રામન તેમની શોધ ‘રામન ઇફેક્ટ’ માટે વિશ્વભરમાં જાણીતાં છે. આ શોધ માટે, તેમને વિશ્વના પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આજેપણ રામન ઇફેક્ટની મદદથી વૈજ્ઞાનિકો ઘણાં પ્રકારના પ્રયોગો કરી રહ્યાં છે. સીવી રામનને અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. તેમને વર્ષ 1929માં નાઈટહૂડ, વર્ષ 1954માં ભારત રત્ન અને વર્ષ 1957માં લેનિન શાંતિ પુરસ્કાર મળ્યો હતો.

ચાલો જાણીએ, સીવી રામનને લગતી આ વાતો…

સર સીવી રામનનો જન્મ 7 નવેમ્બર 1888ના રોજ તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સી તામિલનાડુમાં થયો હતો. તેમના પિતા ગણિત અને ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતાં.

સી.વી. રામને મદ્રાસની તત્કાલીન પ્રેસિડેન્સી કોલેજમાંથી બી.એ કર્યું અને 1905માં ગણિતમાં પ્રથમ વર્ગમાં પાસ થનાર તેઓ એકમાત્ર વિદ્યાર્થી હતાં. આ કોલેજમાં જ એમએમાં પ્રવેશ લીધો અને મુખ્ય વિષય તરીકે ભૌતિકશાસ્ત્રની પસંદગી કરી.

જ્યારે વિજ્ઞાનક્ષેત્રમાં આગળ વધવાની કોઈ સુવિધા ન મળી ત્યારે સી.વી. રામન સરકારી નોકરી તરફ વળ્યાં. તેમણે ભારત સરકારના નાણાં વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો અને પ્રથમ આવ્યાં. આ પછી 1907માં કોલકાતામાં સહાયક એકાઉન્ટન્ટ જનરલ તરીકે કામ કર્યું. જો કે, તે વિજ્ઞાનપ્રેમી તો રહ્યાં જ અને અહીં પણ તેમણે ભારતીય કૃષિ વિજ્ઞાન અને કોલકાતા યુનિવર્સિટીની પ્રયોગશાળાઓમાં સંશોધન કરવાનું ચાલુ રાખ્યું હતું.

સી વી રામને પ્રકાશ વિકિરણના ક્ષેત્રે અતુલ્ય યોગદાન આપ્યું. જેમાં થીયરી આપી કે જ્યારે પ્રકાશ પારદર્શક સામગ્રીમાંથી પસાર થાય છે, ત્યારે તે સમય દરમિયાન પ્રકાશની તરંગ લંબાઇ બદલાય છે. આ શોધને રામન ઇફેક્ટ નામ અપાયું છે. સર સી.વી. રામને પ્રકાશ ક્ષેત્રે તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ વર્ષ 1930માં નોબલ પુરસ્કાર એનાયત કરાયો હતો. વિજ્ઞાનના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર તે એકમાત્ર ભારતીય છે.

માત્ર રામન પ્રભાવ માટે 1954માં તેમને સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યાં હતાં. 1970માં 82 વર્ષની વયે સી.વી. રામનનું અવસાન થયું હતું.