નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકારના ગઠનને લઈને બધાની નજર શરદ પવાર અને સોનિયા ગાંધીની આજે થનારી મુલાકાત પર ટકેલી છે. આના માટે એનસીપી સુપ્રીમ દિલ્હી પણ આવી ચૂક્યા છે. દિલ્હી આવવા મામલે જ્યારે પવાર સાથે પત્રકારોએ સરકારના ગઠનને લઈને પ્રશ્નો કર્યા તો તેમણે પોતાની વાત ન કહી. આટલું જ નહી પરંતુ તેમણ એ કહીને સસ્પેન્સ વધારી દીધું કે સરકારની નિયુક્તિ મામલે તેમને નહી પરંતુ શિવસેના અને ભાજપને પૂછવું જોઈએ.
પવારે એ વાતની પુષ્ટી કરી કે આજે તે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે. જો કે તેમણે મુલાકાતનો સમય ન જણાવ્યો. સરકારના ગઠન સાથે જોડાયેલા સવાલોને ન માત્ર તેઓ ટાળતા રહ્યા, પરંતુ સોનિયા ગાંધી સાથે પોતાની થનારી મુલાકાતને શિષ્ટાચાર ગણાવી. જો કે એ વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે ચર્ચા પહેલા એનસીપી સુપ્રીમો પોતાના પત્તા ખોલવા માંગતા નથી.
પવારને જ્યાપે પૂછવામાં આવ્યું કે શિવસેના સાથે સરકાર બનવાની શક્યતાઓ છે? ત્યારે તેમણે કહ્યું કે, ભાજપ અને શિવસેનાને પૂછો, બંન્ને સાથે હતા. એનસીપી ચીફે કહ્યું કે શિવસેના અને ભાજપ એક સાથે લડ્યા હતા. અમે તેમનાથી અલગ લડ્યા હતા. એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ચર્ચા તો એ છે કે એનસીપી શિવસેના સાથે મળીને સરકાર બનાવી રહી છે તો તેમણે આના જવાબમાં માત્ર “અચ્છા” એટલું કહીને ટાળી દીધો.
મહત્વનું છે કે, 288 સીટો વાળી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમત મળ્યો હતો પરંતુ મુખ્યમંત્રી પદને લઈને વિવાદના કારણે બંન્ને અલગ થઈ ગયા હતા. ભાજપને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટો પર જીત મળી હતી. હવે શિવસેના એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાના પ્રયત્નો કરી રહી છે. કોંગ્રેસનું સ્થાનિક નેતૃત્વ તો શિવસેનાને સમર્થન આપવાના પક્ષમાં છે પરંતુ તેની કટ્ટર હિંદુત્વની છબીના કારણે કોંગ્રેસ હાઈકમાન હજી પણ સમર્થનને લઈને દુવિધામાં છે. માનવામાં આવી રહ્યું છે કે શરદ પવાર સોનિયા ગાંધી સાથે મુલાકાત કરીને તેમને શિવસેનાને સમર્થન આપવા માટે રજી કરશે.