મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકારના ગઠનને લઈને ચાલી રહેલી લાંબી ખેંચતાણનો અંત એવી રીતે થયો કે સારામાં સારા રાજનૈતિક પંડિત પણ વિચારતા જ રહી જાય. એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ મળીને સરકાર બનાવવાની સહમતિ બનતી દેખાઈ તેના બીજા જ દિવસે એટલે કે આજે સવારે ભાજપા દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લઈને બધાને મૌન કરી દીધા. ગવર્નર ભગત સિંહ કોશ્યારીએ તેમને થપથ લેવડાવ્યા. તો એનસીપી પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજીત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા.
એક તરફ અટકળો વહેતી થઈ હતી કે શું અજીત પવારે દગો કરીને ભાજપને સમર્થન આપ્યું? કારણ કે શરદ પવાર તો શુક્રવારે સાંજ સુધી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવા પર સહમતિ સધાઈ હોવાની જાહેરાત કરી રહ્યા હતા. બીજીબાજુ શરદ પવારે કહ્યું છે કે ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનો નિર્ણય તેમનો નહી પરંતુ તેમના ભત્રીજા અજીત પવારનો હતો. તેમણે ટ્વીટ કરતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપને સમર્થન આપવાનો નિર્ણય અજીત પવારનો છે, ન કે (NCP) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો.
જ્યાં એનસીપીના નેતા અજીત પવારના સમર્થનથી ભાજપે સરકાર બનાવી ત્યાં જ બીજીબાજુ કોંગ્રેસ અને શિવસેના તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી. શિવસેનાના નેતા સંજય રાઉતે આ ગઠબંધન માટે શરદ પવારને દોષીત ન ગણાવ્યા પરંતુ કહ્યું કે અજીત પવારે ચોરી અને પાપ કર્યું છે. તેમણે આરોપ લગાવ્યા કે આ આખી પ્રક્રિયા દરમિયાન રાજભવનની શક્તિઓનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.
તો વરિષ્ઠ પત્રકાર આર રાજગોપાલને ટ્વીટ કરીને દાવો કર્યો કે શુક્રવારે રાત્રે 11 વાગ્યાથી શનિવારે સવારે 4 વાગ્યા સુધી ભાજપ અને એનસીપીના મોટા નેતાઓ વચ્ચે વાતચિત બાદ સરકાર બનાવવા પર સહમતિ સધાઈ. તેમણે એપણ દાવો કર્યો કે શિવસેનાના 18 જ્યારે કોંગ્રેસના 6 ધારાસભ્યો પક્ષ બદલવાના છે.