મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં એક પણ વિકાસલક્ષી યોજના પર પ્રતિબંધ મૂકવાનો એમની સરકારે નિર્ણય લીધો નથી.
ઠાકરેએ હાલ રાજ્યભરમાં ચાલી રહેલી વિકાસ યોજનાઓ વિશે આજે એક સમીક્ષા બેઠક બોલાવી હતી અને એમાં વિસ્તૃતપણે ચર્ચા કરી હતી. આ બેઠક ચાર કલાક લાંબી ચાલી હતી. એમાં ઠાકરેની કેબિનેટના પ્રધાનો તથા વિવિધ મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઠાકરેએ બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે કોઈ પણ પ્રોજેક્ટ પર કોઈ જ પ્રકારનો પ્રતિબંધ મૂક્યો નથી. ઊલટાનું, તમામ યોજનાઓમાં અમલીકરણને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો છે.
‘અમે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજના અંગે હજી કોઈ નિર્ણય લીધો નથી,’ એમ પણ ઠાકરેએ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નરેન્દ્ર મોદી સરકારનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. શિવસેના પાર્ટી 30 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની ભાગીદાર-મિત્ર રહી હતી, પણ આ વખતની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ બંનેની મિત્રતા પડી ભાંગી છે. શિવસેનાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને મહાવિકાસ આઘાડી નામે નવું ગઠબંધન રચીને સરકાર બનાવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના કેબિનેટ પ્રધાન જયંત પાટીલને ટાંકીને એક મિડિયા અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્ય પર રૂ. 4.71 લાખ કરોડનું દેવું ચડી ગયું હોવાથી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પાછો ઠેલવી શકાય એમ છે કે કેમ તે વિશે રાજ્ય સરકાર નિર્ણય લેવા વિચારી રહી છે.
અગાઉ એવા પણ અહેવાલો હતા કે ઉદ્ધવ ઠાકરેની સરકારે રાજ્યભરમાં આ પૂર્વેની દેવેન્દ્ર ફડણવીસ સરકારે શરૂ કરાવેલી તમામ વિકાસ યોજનાઓ માટે ફાળવવામાં આવેલા ભંડોળને સ્થગિત કરી દીધું છે. ઠાકરેએ અધિકારીઓને એવો આદેશ આપ્યો છે કે નવો નિર્ણય આપવામાં ન આવે ત્યાં સુધી વિકાસયોજનાઓ માટે કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરવું નહીં.