કુંભ હરિદ્વાર-2021: આજે મહાશિવરાત્રિ નિમિત્તે પહેલું શાહી-સ્નાન

હરિદ્વારઃ કુંભ મેળા માટે ઉત્તરાખંડના યાત્રાધામ હરિદ્વારમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે પહેલું શાહી સ્નાન કરવા માટે ગંગા નદી કાંઠે વસેલા હરિદ્વારમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ગંગા નદીમાં ડૂબકી લગાવતા, સ્નાન કરતા જોવા મળ્યા છે. ‘હર કી પૌડી’ તથા હરિદ્વારના અન્ય ગંગાઘાટ પર પવિત્ર સ્નાન કરવા માટે લોકોની ભીડ જોવા મળી છે. જોકે કોરોના વાઈરસના ફેલાવાને કારણે કડક ગાઈડલાઈન્સ લાગુ કરવામાં આવી હોવાથી ભૂતકાળના કુંભ મેળાની સરખામણીમાં આ વખતે ભીડ ઓછી છે.

અખાડાઓ માટે ‘હર કી પૌડી’ ઘાટ ખાતે શાહી સ્નાન કરવા માટેનો સમય છે આજે સવારે 8થી સાંજે પાંચ વાગ્યા સુધી. જ્યારે સામાન્ય લોકો માટે સમય સવારે 8 પહેલાં અને સાંજે પાંચ પછીનો રખાયો છે. જોકે અન્ય ગંગાઘાટ ખાતે સામાન્ય લોકો આખા દિવસમાં ગમે ત્યારે સ્નાન કરી શકશે. સવારે 11 વાગ્યાથી ‘હર કી પૌડી’ના બ્રહ્મકુંડમાં પહેલું શાહી સ્નાન થશે. આ વર્ષના કુંભમેળા નિમિત્તે હરિદ્વારમાં ચાર શાહી સ્નાન થશે અને 9 ગંગાસ્નાન થશે. પહેલું શાહી સ્નાન આજે છે, બીજું 12 એપ્રિલે સોમવતી અમાસ નિમિત્તે, ત્રીજું 14 એપ્રિલે મેષ સંક્રાંતિ નિમિત્તે અને ચોથું 27 એપ્રિલે વૈશાખી પૂનમના રોજ યોજાશે. હરિદ્વાર કુંભમેળા માટે આશરે 15,000 સુરક્ષા જવાનો, સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદ લેવામાં આવી છે.