દેશભક્તિની નવી ફોર્મ્યૂલા: NO યસ સર, યસ મેડમ, Only જય હિંદ

ભોપાલ- દેશભક્તિના ફરમાનો જાહેર કરવામાં વધુ એક નવું નામ ઉમેરાઈ ગયું છે. મધ્યપ્રદેશના શિક્ષણપ્રધાને આદેશ જારી કર્યો છે કે, હવે રાજ્યના બધા જ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને હાજરી સમયે યસ સર અથવા યસ મેડમને બદલે ‘જય હિન્દ’ બોલવું. પ્રધાનના આ ફરમાન બાદ વિરોધપક્ષે શિવરાજ સરકારને ટાર્ગેટ કરી અને તેના ઉપર શાબ્દિક પ્રહારો કર્યા.

મધ્યપ્રદેશના શિક્ષણપ્રધાન વિજય શાહે પ્રદેશની રાજધાની ભોપાલમાં શૌર્ય સ્મારક પર 69મા NCC દિવસ પર આ જાહેરાત કરી હતી. આદેશ જારી કરાયા બાદ હવે મધ્યપ્રદેશની બધી જ 1 લાખ 22 હજાર સરકારી સ્કૂલોના બાળકોએ હાજરી માટે યસ સર અથવા યસ મેડમને બદલે જયહિંદ સર અને જયહિંદ મેડમ બાલવાનું રહેશે.

શિક્ષણપ્રધાન વિજય શાહે જણાવ્યું કે, ખાનગી શાળાઓમાં પણ આ અંગેની એડવાઈઝરી જાહેર કરવામાં આવશે. આ આદેશ જારી કરવા પાછળનો હેતુ કોઈ રાજકીય નથી પરંતુ નવી પેઢીમાં દેશભક્તિની ભાવના જગાડવાનો છે.

આપને જણાવી દઈએ કે, સ્કૂલોમાં હાજરીના સમયે બાળકો અત્યાર સુધી ‘યસ સર’ અને ‘યસ મેડન’ બોલતા આવ્યા છે. આ પહેલા ગત એક ઓક્ટોબરથી પ્રયોગાત્મક સ્વરુપે આ નિર્ણયનો અમલ સતના જિલ્લાની શાળાઓમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શિક્ષણપ્રધાને પુરા રાજ્યમાં આ આદેશનો અમલ કરવા જણાવ્યું છે.