બ્રહ્મપુત્ર નદી પર જોખમ, ચીનના કરતૂતથી નદીનું પાણી કાળું થયું

ઈટાનગર- સિયાંગ નદી વર્ષોથી અરુણાચલ પ્રદેશની જીવનરેખા માનવમાં આવે છે. જોકે વર્તમાન સમયમાં આ નદીનું પાણી કાળું પડી જવાથી સ્થાનિક લોકો પરેશાન થયા છે. આશરે બે મહિનાથી વધુ સમય થયો સિયાંગ નદીના પાણીમાં માટી, કિચડ અને ગંદકીનું સામ્રાજ્ય વધી જતાં લોકો પરેશાન થયા છે. અને અનેક જળચર જીવોના મોત થયા છે.

આપને જણાવી દઈએ કે, સિયાંગ નદી અરુણાચલપ્રદેશના પાશીઘાટ વિસ્તારમાંથી વહે છે. જે ચીનમાંથી પ્રવાહિત થાય છે. તિબેટ વિસ્તારમાં આ નદી યારલંગ જાંગબો નામથી ઓળખાય છે. જ્યારે અસમમાં તે બ્રહ્મપુત્રના નામથી ઓળખાય છે. સ્થાનિકોનું માનવું છે કે નદીનું પાણી કાળું પડવા પાછળ ચીનની કોઈ ચાલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જિલ્લાના ડેપ્યુટી કમિશનરે આ ઘટના અંગે જણાવ્યું કે, નદીનું દુષિત થયેલું આ પાણી કોઈપણ પ્રકારના ઉપયોગમાં આવી શકે તેમ નથી. કારણકે તેમાં સિમેન્ટ જેવો પદાર્થ છે. આ જ કારણ છે કે, ગત બે મહિના દરમિયાન નદીમાં અનેક માછલીઓના મોત થયા છે.

વધુમાં ડેપ્યુટી કમિશનરે કહ્યું કે, ગત ચોમાસા દરમિયાન પણ નદીના પાણીનો રંગ કાળો પડી ગયો હતો. તે સમયે પાણીમાં માટી અને કાદવનું પ્રમાણ જોવા મળ્યું હતું. અહીં વરસાદની સિઝન લાંબી ચાલે છે. જેથી પાણીમાં પ્રદૂષણ થયું હશે તેમ માનવામાં આવતું હતું, જોકે ત્યારબાદ પણ નદી પ્રદુષિત રહેતાં ચીન પર આશંકા કરવામાં આવી રહી છે.

આ તરફ, ચીને બ્રહ્મપુત્ર નદીના પાણીમાં પ્રદૂષણ અને પાણીનું વહેણ બદલવાને લઈને પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપને નકાર્યા છે. એવી પણ વાત સામે આવી રહી છે કે, બ્રહ્મપુત્ર નદીનું વહેણ બદલવા ચીન એક હજાર કિલોમીટર લાંબી ટનલ બનાવવાની યોજના વનાવી રહ્યું છે.