બ્રહ્મસમાજની અવગણનાથી રોષ, બંને પક્ષોએ માત્ર 3-3 બેઠકો ફાળવી

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને રાજકીય મુખ્ય પક્ષની 182 ઉમેદવારોની પસંદગી અને ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે, ત્યારે ગુજરાતના ઇતિહાસમાં આ વખતે ઉમેદવાર પસંદગીમાં બ્રહ્મસમાજને મોટો અન્યાય થયો છે. જેથી બ્રહ્મસમાજમાં રોષની લાગણી ઉભી થતી જોવા મળી રહી છે.
ગુજરાતના રાજકારણમાં આ વખતે બ્રહ્મસમાજ પોતાની નારાજગી દર્શાવશે. બંને પક્ષોએ જાણે રાજકીય ગઠબંધન કર્યું હોય તેમ 3-3 બેઠકો માત્રને માત્ર બ્રહ્મસમાજને આપી છે. આ અન્યાય માટે આજથી ગુજરાતના તાલુકા કક્ષાએથી  ગ્રામ્ય વિસ્તાર સુધી જ્યાં જ્યાં બ્રાહ્મણની સંખ્યા છે તે વિસ્તારોમાં સમાજ માટે જાગૃતિ લાવવા અને રાજકીય રીતે થતા અન્યાય સામે લડતની તૈયારીઓ શરૂ કરવામાં આવનાર છે.ગુજરાત વિધાનસભાનો ભૂતકાળ યાદ કરીએ તો ઓછામાં ઓછાં 8 અને વધારેમાં વધારે 12 જેટલાં બ્રાહ્મણ સભ્યો હતાં, જયારે મંત્રીમંડળમાં પણ ચારથી પાંચ જેટલા બ્રહ્મસમાજના સભ્યો રહેતાં હતાં. બ્રહ્મસમાજ આવનારા દિવસોમાં એક ચોક્કસ રણનીતિ સાથે સંગઠિત થઇ અને એક થવાની બાબત પર ભાર મૂકી રાજકીય રીતે થતી અવગણના કોઈપણ સંજોગોમાં નહીં ચલાવી લેવા મક્કમ થશે.
ગુજરાતના પાટનગર ગાંધીનગર ઉત્તર વિધાનસભાની વાત કરીએ તો આ મત વિસ્તારમાં અંદાજે 30 હજાર જેટલા બ્રહ્મસમાજના મતદારો છે. આમ છતાં વિધાનસભામાં પ્રતિનિધિત્વ નથી મળતું. ગાંધીનગર મહાનગર પાલિકાના 2011 માં શરૂઆત થઇ ત્યારે માત્ર શહેરી વિસ્તારમાં 1,40,000 મતદારોમાં કુલ 33 કોર્પોરેટરો હતા. જેમાં 6 બ્રાહ્મણ કોર્પોરેટર ચૂંટાયા હતા. આમ 33 માંથી 6 એટલે ખુબ જ મોટી વાત કહેવાય.
બ્રહ્મસમાજની સંગઠન પાંખ દ્વારા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારથી લઇ શહેરી વિસ્તાર સુધી એક એક વાત સમજાવવામાં આવશે કે જો 5%  જૈન સમાજનો વ્યક્તિ મુખ્યપ્રધાન બને તો તેમના કરતા બ્રાહ્મણોની સંખ્યા વધારે છે. તો આપણે એક થઇ આપણી એકતા કેમ ન બતાવીએ ની વાત લઇ આગળ વધવામાં આવશે.