ભોપાલઃ મધ્યપ્રદેશ સરકારે નસબંધીનું લક્ષ્ય પૂરું ન થવા પર ગજબ પ્રકારનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશને રાજ્યના સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને આદેશ આપ્યો છે કે, ઓછામાં ઓછા એક સભ્યની નસબંધી કરાવો નહી તો તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવામાં આવશે. કમલનાથ સરકારના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓને પુરુષ નસબંધીનું લક્ષ્ય પૂરું ન કરવા પર પગારમાં ઘટાડો અને ફરજિયાત નિવૃત્તિ આપવાનો આદેશ કર્યો છે. ટાર્ગેટ પૂરો ના કરવા પર “નો પે, નો વર્ક” ના આધાર અને વેતન ન આપવાની વાત કહી છે. પરિવાર નિયોજન કાર્યક્રમમાં કર્મચારીઓ માટે પાંચથી દસ પુરુષોની નસબંધી કરવી જરુરી બનાવવામાં આવી છે.
રાજ્યમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંચાલક દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારે કર્મચારીઓ માટે દર મહિને 5-10 પુરુષોની નસબંધી ઓપરેશન કરાવવું જરુરી બનાવી દિધું છે.
મિશનના સંચાલક ભારદ્વાજે આ મામલે નારાજગી વ્યક્ત કરતા તમામ કલેક્ટર અને સીએમએચઓને પત્ર લખ્યો છે. આમાં તેમણે કહ્યું છે કે, પ્રદેશમાં માત્ર 0.5 ટકા પુરુષ નસબંધીના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. હવે વિભાગના પુરુષ કર્મચારીઓને જાગૃતતા ઝુંબેશ અંતર્ગત પરિવાર નિયોજનનો ટાર્ગેટ આપવામાં આવે. તેમના આ પત્ર બાદ સીએમએચઓએ પત્ર જાહેર કરીને કહ્યું છે કે, જો ટાર્ગેટ અંતર્ગત કામ ન કરવામાં આવ્યું તો કમ્પલ્સરી રિટાયરમેન્ટનો પ્રસ્તાવ મોકલવામાં આવશે.