ભોપાલ- મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના પૂર્વ અંગત સચીવ પ્રવીણ કક્કડ, સલાહકાર રાજેન્દ્ર મિગલાની સહિત મુખ્યપ્રધાનના નિકટવર્તી વર્તુળો પર આવકવેરા વિભાગે તવાઈ બોલાવી છે. રવિવારેથી શરુ થયેલી આઈટી વિભાગના દરોડા આજે પણ ચાલુ રહ્યા હતાં. આઇટીની ટીમ હજુ પણ જરુરી દસ્તાવેજોની તપાસ કરી રહી છે આ ઉપરાંત કેટલાક સ્થળોએ રોકડ રકમ પણ મળી આવી છે. સાથે કરોડો રુપિયાનું ટેક્સ ચોરીનું કૌભાંડ પણ ઝડપાયું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી)ના ચેરમેન અને રાજસ્વ સચિવે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરીને દરોડા અંગેની તમામ જાણકારી આપી હતી.
આ મામલે પ્રવીણ કક્કડના વકીલે ઈન્દોર હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં આગામી 11 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. પ્રવીણ કક્કડના નજીક માનવામાં આવતા અશ્વિન શર્માના ઘરે આજે વન વિભાગની ટીમ પહોંચી હતી. વાઘ, કાળા હરણ, ચિત્તા, વગેરે પ્રાણીઓની શણગારાત્મક વસ્તુઓ (પારિતોષિકો) જપ્ત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે અશ્વિન પર વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્યપ્રધાન કમલનાથે ઈનકમ ટેક્સના દરોડા પર કહ્યું કે, જેમને ત્યાંથી રોકાડ રકમ મળી આવી તે ભાજપનો જ વ્યક્તિ છે, તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓની મદદથી મારા પર દબાણ મુકવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ હું દબાઈશ નહીં.
વધુમાં કમલનાથે કહ્યું કે, ભાજપ આવુ એટલા માટે કરી રહી છે કે, કારણ કે તે જાણે છે કે, તેઓ ચૂંટણી હારવા જઈ રહ્યાં છે. અને હવે તેની પાસે માત્ર આ એક જ રણનીતિ બચી છે. મને કોઈ ચિંતા નથી મને કોઈ નહીં ડુબાડી શકે.
તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં અંદાજે 50 જેટલી જગ્યાઓ પર દિલ્હી આવક વેરા વિભાગની ટીમોએ દરોડા પાડયા હતાં. દરોડા દરમિયાન 281 કરોડ રૂપિયાના બેહિસાબી રોકડ રકમ આઈટી વિભાગને હાથ લાગી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (સીબીડીટી)એ જણાવ્યું કે, રાજનીતિ, વેપાર અને સરકારી સેવાઓ સાથે જોડાયેલા લોકો મારફતે આ રકમ એકત્ર કરવામાં આવી હતી.
આયકર વિભાગના દરોડા દરમિયાન ભોપાલની કેટલીક જગ્યાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન અશ્વિન શર્મા નામના વ્યક્તિ પાસેથી મોટી સંખ્યામાં રોકડ મળી આવી હતી. દિલચસ્પ વાત એ છે કે, અશ્વિની એ મીડિયા સમક્ષ આયકર વિભાગની ટીમને કહ્યું કે તે બીજેપીનો માણસ છે.