લખનઉઃ દેશમાં મોબ લિન્ચિંગના બનેલા બનાવો અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે ગઈ કાલે કરેલા નિવેદનોના પ્રત્યાઘાતમાં ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઈત્તેહાદુલ-મુસલીમીન (AIMIM) પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ આજે અમુક કમેન્ટ્સ કરી છે જેનો વિવાદ થાય એમ છે.
હૈદરાબાદના સંસદસભ્ય ઓવૈસીએ હિન્દીમાં અમુક ટ્વીટ્સ કર્યા છે. એમાં તેમણે જણાવ્યું છે, ‘આરએસએસના ભાગવતનું કહેવું છે કે લિન્ચિંગમાં સંડોવાયેલાઓ હિન્દુત્વ વિરોધીઓ છે. ગુનેગારો ભેંસ અને ગાયમાં કોઈ ફરક જોતા નથી. તે છતાં મારી નાખવા માટે જુનૈદ, અખલાક, પેહલુ, રકબર અને અલીમુદ્દીન નામો પૂરતા છે. આ ઝનૂન હિન્દુત્વનું પરિણામ છે અને આ ગુનેગારોને કેન્દ્રમાંની હિન્દુત્વવાદી સરકાર રક્ષણ આપે છે.’ ઓવૈસીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેનું નામ લઈને કહ્યું છે કે, ‘કાયરતા, હિંસા અને હત્યા ગોડસેના હિન્દુત્વવાળી વિચારધારાનો અતૂટ હિસ્સો છે. મુસલમાનોનું લિન્ચિંગ પણ આ જ વિચારધારાનું પરિણામ છે.’
ઉલ્લેખનીય છે કે, ભાગવતે લઘુમતી કોમમાં કથિતપણે ફરી વળેલા ભયને દૂર કરવાના પ્રયાસમાં ગઈ કાલે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત ‘હિન્દુસ્તાન ફર્સ્ટ હિન્દુસ્તાન બેસ્ટ’ શીર્ષકવાળા એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘ભારતમાં મુસ્લિમોએ ડરવાની જરૂર નથી. જો કોઈ એમ કહે કે મુસ્લિમોએ ભારતમાં રહેવાની જરૂર નથી તો એ હિન્દી નથી. ગાય પવિત્ર પ્રાણી છે, પરંતુ જે લોકો લિન્ચિંગ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તેઓ હિન્દુત્વની વિરુદ્ધના છે. એમની સામે કાયદો કોઈ પણ પ્રકારનો પક્ષપાત રાખ્યા વગર પગલાં ભરશે. ભારતનાં લોકોનું એક જ ડીએનએ છે.’