નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે LPG રીફિલ બુકિંગ પોર્ટેબિલિટી સેવાને મંજૂરી આપી છે. આ સેવા અંતર્ગત ગ્રાહકો એમના LPG સિલિન્ડર એમના વિસ્તારના કોઈ પણ LPG ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ભરાવી શકશે. મતલબ કે જે ગ્રાહક પોતાની ઓઈલ માર્કેટિંગ કંપનીના વર્તમાન LPG વિતરકથી ખુશ ન હોય તો એ તેને બદલે કોઈ બીજા વિતરકને પસંદ કરી શકશે.
હાલ આ યોજના ચંડીગઢ, કોઈમ્બતુર, ગુડગાંવ, પુણે અને રાંચીમાં શરૂ કરાશે. ગ્રાહકો મોબાઈલ એપ કે કસ્ટમર પોર્ટલ પર જશે તો એમને LPG સિલિન્ડર ડિલીવરી વિતરકોની સંપૂર્ણ યાદી જોવા મળશે. વિતરકોને એમની કામગીરી અનુસાર રેટિંગ આપવામાં આવ્યા હશે. ગ્રાહકો તેને આધારે શ્રેષ્ઠ વિતરકને પસંદ કરી શકશે. આ પદ્ધતિને કારણે વિતરકોને એમની કામગીરી સુધારવાની ફરજ પડશે. તેમજ ગ્રાહકોને વધારે સારી સેવા-સુવિધા પૂરી પાડવાની વિતરકોમાં તંદુરસ્ત પ્રથા સ્થાપિત થશે. વિતરકો સેવા સુધારશે તેમ એમનું રેટિંગ સુધરશે.