નવી દિલ્હી – INX મિડિયા ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે આજે સુપ્રીમ કોર્ટને કહ્યું કે હું 43 દિવસથી જેલમાં છું અને મારું પાંચ કિલોગ્રામ વજન ઘટી ગયું છે અને હું બે વાર માંદો પડી ચૂક્યો છું.
ચિદમ્બરમે આ કેસમાં પોતાને જામીન પર છોડવાની સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે અને કહ્યું છે કે એને બે વાર માંદગી આવી છે અને એને એન્ટીબાયોટિક્સ લેવી પડે છે.
ન્યાયમૂર્તિઓ આર. ભાનુમતી, એ.એસ. બોપન્ના અને હૃષિકેશ રોયની બનેલી બેન્ચને ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે 43 દિવસથી જેલવાસ દરમિયાન ચિદમ્બરમને બે વખત માંદગી આવી હતી જેમાં તે પહેલી વાર પાંચ દિવસ અને બીજી વાર સાત દિવસ સુધી માંદા રહ્યા હતા. એમને એન્ટીબાયોટિક્સ આપવી પડી હતી.
સિબ્બલે કોર્ટને એમ પણ કહ્યું કે ચિદમ્બરમનું પાંચ કિલો વજન ઘટી ગયું છે. પહેલા એમનું વજન 73.5 કિ.ગ્રા. હતું, એ હવે ઘટીને 68.5 કિ.ગ્રા. થઈ ગયું છે.
સિબ્બલે કહ્યું કે હવે શિયાળો બેસી રહ્યો છે ત્યારે 74-વર્ષીય (કોંગ્રેસ નેતા) ચિદમ્બરમની તબિયત કદાચ વધારે બગડશે.