કમલેશ તિવારીને પહેલા ગોળી મારી, પછી માર્યા ચાકુના ઘા…જાણો આખી ઘટના…

લખનઉઃ લખનઉમાં હિંદૂ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી હત્યાકાંડ મામલે કેટલાક પૂરાવાઓ હાથ લાગ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર હત્યારાઓ ભગવા કપડા પહેરીને આવ્યા હતા અને મિઠાઈના ડબ્બા હાથમાં હતા જેમાં પિસ્ટલ અને ચપ્પુ છુપાવીને રાખ્યું હતું. પોલીસને ઘટનાસ્થળેથી 32 બોરની પિસ્ટલ, કારતૂસનું ખોખું મળ્યુ છે. ગુજરાતની દુકાનનો ડબ્બો મળ્યો છે.

હુમલાખોરોએ પહેલા ગોળી મારી હતી અને પછી ધારદાર હથિયારથી ગળુ કાપી નાંખ્યું અને ત્યાંથી ફરાર થઈ ગયા. કમલેશને કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. આપને જણાવી દઈએ કે લખનઉના વસ્તી વાળા હિંડોળા વિસ્તારમાં આશરે બપોરે 11.46 વાગ્યે ભગવા કુર્તા પહેરેલા બે લોકો કમલેશની ઓફિસમાં પહોંચ્યા. આ જ બિલ્ડિંગમાં એક જગ્યાએ કમલેશ રહેતા પણ હતા. તેમનો એક કાર્યકર્તા જ હત્યારાઓને તેમની પાસે લઈ ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે કમલેશે તેમના માટે ઘરેથી ચા-નાસ્તો પણ મંગાવ્યો હતો. ત્યારબાદ પોતાના કાર્યકર્તાને પાન મસાલો લાવવા માટે બહાર મોકલ્યા. જ્યારે તે પાછો આવ્યો ત્યારે કમલેશ ખૂનથી લથપથ હતા.

કમલેશની ધોળા દિવસે થયેલી હત્યાથી હડકંપ મચી ગયો અને તેમના સમર્થકોએ હંગામો શરુ કરી દીધો. જ્યારે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો તો તેમના સમર્થકોએ તોડફોડ પણ કરી. કમલેશનો વિવાદો સાથે જૂનો સંબંધ રહ્યો છે. વર્ષ 2014 માં તેમણે સીતાપુર જિલ્લાના સિધૌલીમાં એક સભામાં પોતાની જમીન પર ગોડસેનું મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. વર્ષ 2015 માં તેમણે પૈગંબર મહોમ્મદ સાહેબ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે તેમના પર એનએસએ લગાવી દેવામાં આવ્યા હતા. કમલેશના આ નિવેદન પર બિજનોરના મૌલાનાએ તેમના માટે ઈનામની પણ જાહેરાત કરી દીધી. કમલેશની પત્નીએ મૌલાના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. તો યૂપી પોલીસે આ મામલે ગુજરાત પોલીસ પાસેથી પણ મદદ લીધી છો.