વડાપ્રધાન મોદીની આર્થિક સલાહકાર પરિષદમાં 2 નવા ચહેરાઓનો સમાવેશ…

નવી દિલ્હીઃ આર્થિક સુસ્તી વચ્ચે વડાપ્રધાન મોદીની આર્થિક સલાહકાર પરિષદમાં બે નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે સલાહકાર પરિષદમાં નિલેશ શાહ અને નિલકંઠ મિશ્રાનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે. નિલેશ શાહ કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના એમડી છે. તો નીલકંઠ મિશ્રા ઈન્ડિયા સ્ટ્રેટેજિસ્ટના એમડી અને એશિયા પેસિફિક ફોર ક્રેડિટ સુઈસના ઈક્વિટી સ્ટ્રેટેજીમાં સહપ્રમુખ છે. સરકારના આ પગલાને બજારની હકીકતને સમજવા અને વાસ્તવિકતા સુધી પહોંચવાના રુપમાં જોવામાં આવી રહ્યું છે. આ બંન્ને લોકોની નિયુક્તિ આર્થિક સલાહકાર પરિષદમાં બે વર્ષના અંશકાલિક સદસ્યના રુપમાં કરવામાં આવી છે.

ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફાઈનાન્સ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચના ડીન વી. અનંત નાગેશ્વર આર્થિક સલાહકાર પરિષદમાં સમાવિષ્ઠ થનારા ત્રીજા નવા વ્યક્તિ છે. આ નિયુક્તિઓ આર્થિક સલાહકાર પરિષદથી રથિન રોય અને શમિકા રવિ ગયા બાદના ત્રણ સપ્તાહ બાદ થઈ છે. તે સમયે જેપી મોર્ગનના મુખ્ય ભારતીય અર્થશાસ્ત્રી સાજિદ શિનોયને શામિલ કરવામાં આવ્યા હતા.

પોતાની નિયુક્તિ મામલે નિલેશ શાહે કહ્યું કે, દેશની સેવા કરવી તે એક સન્માનની વાત છે. બજારના વિદ્યાર્થીના રુપમાં મેં જે છેલ્લા ત્રણ દશકમાં શીખ્યું છે તેને સમિતિ સાથે વહેંચીશ. શાહ છેલ્લા બે દશકથી સ્ટાર ફંડ મેનેજર રહેલા છે. શાહે આઈસીઆઈસીઆઈ પ્રૂડેંશિયલ મ્યૂચ્યુઅલ ફંડને હેન્ડલ કર્યું છે. આ સીવાય તેઓ એક્સિસ કેપિટલના સીઈઓ પણ રહી ચૂક્યા છે. એક્સિસ કેપિટલ એક્સિસ બેંકની ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ શાખા છે.