નવી દિલ્હી – સાત રાઉન્ડની લોકસભા ચૂંટણીના 6ઠ્ઠા રાઉન્ડમાં આજે 7 રાજ્યોમાં 59 મતવિસ્તારોમાં મતદાન સંપન્ન થયું છે. પશ્ચિમ બંગાળમાં હિંસાના અમુક બનાવોને બાદ કરતાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર, કામચલાઉ અંદાજ મુજબ મતદાન સરેરાશ 63.48 ટકા થયું છે.
તમામ રાજ્યોમાં મતદારોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. અગાઉના તમામ તબક્કાની માફક આ રાઉન્ડમાં પણ પશ્ચિમ બંગાળ રાજ્ય મતદાનની ટકાવારીમાં મોખરે રહ્યું છે.
આજના રાઉન્ડમાં ઉત્તર પ્રદેશમાં 14, હરિયાણામાં 10, બિહારમાં 9, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 8-8, દિલ્હીમાં તમામ 7, ઝારખંડમાં 4 બેઠકો પર મતદાન યોજવામાં આવ્યું હતું.
આ સાથે કુલ 543 લોકસભા બેઠકોમાંથી 483 બેઠકો પર મતદાન પૂરું થઈ ગયું છે. હવે 19 મેએ સાતમા અને આખરી તબક્કામાં બિહાર, ચંડીગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 59 બેઠકો પર મતદાન થશે. ત્યારબાદ 23 મેએ મતગણતરી થશે અને પરિણામ જાહેર કરાશે.
ચૂંટણી પંચે મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ નાગરિકોનો, ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોનો આભાર માન્યો છે.
રાજ્યવાર મતદાનની ટકાવારી આ મુજબ રહીઃ
ઉત્તર પ્રદેશમાં 54.29%
મધ્ય પ્રદેશમાં 63.63%
દિલ્હીમાં 58.45%
બિહારમાં 59.29%
પશ્ચિમ બંગાળમાં 80.16%
ઝારખંડમાં 64.50%
હરિયાણામાં 66.27%
મતગણતરી પ્રક્રિયા પારદર્શી બની રહે એ માટે લેવાયેલાં વિશેષ પગલાંની ચકાસણી કરવા માટે ચૂંટણી પંચે સોમવારે બેઠક બોલાવી છે.
આજના ચરણમાં કેન્દ્રીય પ્રધાનો મેનકા ગાંધી અને ડો. હર્ષવર્ધન, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ સિંહ યાદવ, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને ભાજપના વિવાદાસ્પદ ઉમેદવાર (ભોપાલ, મધ્ય પ્રદેશ) સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત કુલ 968 ઉમેદવારો ચૂંટણીના જંગમાં ઉતર્યાં હતા.
સવારે વહેલા જઈને મતદાન કરનાર નામાંકિત વ્યક્તિઓમાં સમાવેશ થાય છે – રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી (ગુરુગ્રામ, હરિયાણા), ભાજપના ઉમેદવાર અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર (પૂર્વ દિલ્હી), ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ (ભોપાલ), ભાજપના ઉમેદવાર ડો. હર્ષવર્ધન (દિલ્હી), દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા.
આજે જે 59 બેઠકો માટે મતદાન થયું છે એમાંની 45 બેઠક પર ભાજપનો કબજો છે.
આજના ચરણ માટે 10 કરોડથી વધુ મતદારો નોંધાયા હતા.
મતદાન શરૂ થયું એ પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.
httpss://twitter.com/narendramodi/status/1127382183293833216
2014ની લોકસભા ચૂંટણી અને 2015ની વિધાનસભા ચૂંટણીએ દિલ્હીના રાજકીય સમીકરણો બદલાયા જેમાં કોંગ્રેસની વિરુદ્ધ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો. પરંતુ 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ રાજધાનીમાં ગુમાવેલી ઈજ્જત ફરી મેળવવા માટે જોર લગાવી રહી છે.
2015માં એકતરફી જીત મેળવી દિલ્હીમાં સરકાર બનાવનાર ‘આપ‘ પાર્ટી હવે ધીમે ધીમે તેમની ચમક ગુમાવી રહી છે, જેની સામે ભાજપને એન્ટી-પાર્ટીથી આપ અને કોંગ્રેસમાં સંભવિત વહેચણીમાં ફાયદો દેખાઈ રહ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે ગઠબંધન માટે અંતિમ સમય સુધી વાતચીત ચાલી પરંતુ અંતે તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યો અને કોંગ્રેસે તેમના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. કોંગ્રેસ તરફથી દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અને દિલ્હી કોંગ્રેસ પ્રમુખ શીલા દીક્ષિત,અજય માકન, મહાબલ મિશ્રા અને જેપી અગ્રવાલ મેદાનમાં છે. આમ આદમી પાર્ટીએ પણ રાઘવ ચડ્ડા અને આતિશી જેવા તેમના લોકપ્રિય ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે, આ ઉપરાંત દિલીપ પાંડેને પણ AAP ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
2014માં દિલ્હીની તમામ 7 લોકસભા બેઠકો પર જીત મેળવનાર બીજેપીએ હર્ષ વર્ધન અને મનોજ તિવારી સહિત તેમના 5 વર્તમાન સાંસદો પર દાવ ખેલ્યો છે. પાર્ટીને આશા છે કે, મોદીની લોકપ્રિયતા અને બાલાકોટ એર સ્ટ્રાઈક પછી ઉભી થયેલી રાષ્ટ્રવાદની લહેર પરિણામ તેમના પક્ષમાં ખેંચી લાવશે. જો કે, સુપ્રીમ કોર્ટના આદેશ પર દિલ્હીમાં થયેલી સીલિંગ પાર્ટીની ચિંતા વધારી રહી છે.
AAP- કોંગ્રેસ વોટ શેયર
લોકસભા 2014માં ભાજપે દિલ્હીમાં 46 ટકા મતો પર કબજો કર્યો હતો, જ્યારે AAPને 33 ટકા અને કોંગ્રેસને 15 ટકા મત મળ્યા હતાં. જો કે, 2015માં વિધાનસભા ચૂંટણીમાં AAP પાર્ટીને 54 ટકા મતો મળ્યા હતાં. પ્રેક્ષકોનું કહેવું છે કે, કેજરીવાલની પાર્ટી અને કોંગ્રેસનો વોટર બેઝ એક જ છે, જેમાં મુસ્લિમ, અનધિકૃત કોલોનીઓમાં રહેતા મિડલ ક્લાસ ફ્લોટિંગ સેક્શન સામેલ છે. કોંગ્રેસે મતદાતોઓને અપીલ કરી છે તે કેજરીવાલ પર ભરોસો કરવાને બદલે શીલા દીક્ષિતના વિકાસ મોડલમાં વિશ્વાસ દર્શાવે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી પર બીજેપી સાથે હાથ મિલાવવાનો પણ આરોપ લાગ્યો છે.
દિલ્હીના બાબરપુરમાં રહેતાં એક રેશન દુકાનદાર મુસ્તફા કહે છે કે, મે આપને મત આપ્યો હતો કારણ કે, કેજરીવાલે ઘણી સારી વાતોનું વચન આપ્યું હતું, પરંતુ અમારા વિસ્તારમાં છેલ્લે જો કોઈ વિકાસનું કામ થયું હોય તો એ શીલા દીક્ષિતના સમયમાં થયું હતું. દિલ્હીમાં કોંગ્રેસના ઉમેદવારો તેમના ચૂંટણી પ્રચારમાં મુખ્ય મુદ્દા તરીકે શીલા દીક્ષિતના 15 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસના કામોનો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે.
ભાજપને પરંપરાગત રીતે ટ્રેડર અને બિઝનેસ કોમ્યુનિટીનું સમર્થન મળતું રહ્યું છે, પરંતુ સીલિંગના મુદ્દે પાર્ટી બેકફૂટ પર જોવા મળી રહી છે. કોંગ્રેસના અજય માકનને નવી દિલ્હીમાં બીજેપીના વર્તમાન સાંસદ મીનાક્ષી લેખી સામે મોટી જીતની આશા છે.