રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ મતદાન કર્યું; પ્રિયંકાએ કહ્યું, ભાજપ સત્તા પરથી ફેંકાઈ જશે

નવી દિલ્હી – સાત રાઉન્ડની લોકસભા ચૂંટણીના આજે છઠ્ઠા રાઉન્ડમાં કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધી, એમનાં માતા અને ભૂતપૂર્વ પક્ષપ્રમુખ સોનિયા ગાંધી અને બહેન તથા મહામંત્રી પ્રિયંકા ગાંધીએ વોટિંગ કર્યું હતું.

પ્રિયંકા ગાંધીએ મતદાન કર્યા બાદ એવો દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે સત્તા પરથી ફેંકાઈ જશે.

પ્રિયંકાએ એમનાં પતિ રોબર્ટ વાડ્રાની સાથે મધ્ય દિલ્હીમાં લોધી એસ્ટેટ વિસ્તારમાં સરદાર પટેલ વિદ્યાલય ખાતે જઈને મતદાન કર્યું હતું.

બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં પ્રિયંકાએ કહ્યું કે દેશના, ખાસ કરીને ઉત્તર પ્રદેશનાં નાગરિકો ભાજપની સરકારથી નારાજ છે. સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ ચૂંટણી હારી રહ્યો છે. મને આશા છે કે દિલ્હીમાં પણ પરિણામ કોંગ્રેસની તરફેણમાં આવશે.

પ્રિયંકાએ કહ્યું કે અમે સામાન્ય જનતાને માઠી અસર કરતા પ્રશ્નો ઉઠાવ્યા છે જ્યારે મોદીજી મહત્ત્વ ન હોય એવી વાતો કર્યા કરે છે. લોકોને રૂ. 15-15 લાખ આપવાના વચન વિશે મોદી કંઈ જવાબ આપતા નથી. દર વર્ષે બે કરોડ લોકોને નોકરી આપવાનું અને કિસાનોની આવક વિશે પણ ભાજપે વચનો આપ્યા હતા. રાહુલજીએ આવા પ્રશ્નો પર જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો તો એમાં પણ મોદીજીએ કોઈ જવાબ આપ્યો નથી.

એ પહેલાં રાહુલ ગાંધીએ મતદાન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પીએમ મોદી નફરતનું રાજકારણ ફેલાવે છે જ્યારે કોંગ્રેસ પાર્ટી પ્રેમનો ફેલાવો કરે છે. પ્રેમ ચોક્કસપણે ચૂંટણીમાં જીતશે.