નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં આ વખતે મતગણતરી ચોંકાવનારી સામે આવી રહી છે. PM મોદીની લોકપ્રિયતાના દમ પર 400 પારનો નારો આપનાર ભાજપને મોટો આંચકો લાગ્યો છે અને પાર્ટી 250 સીટો પર સમેટાઈ જવાની ભીતિ છે. 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપને 303 અને NDAને 353 સીટો મળી હતી. આમ ભાજપને ‘ગઢ આલા, પણ સિંહ ઘેલા’ની સ્થિતિ સર્જાઈ છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાનીમાં NDAને હજી પણ સ્પષ્ટ બહુમત મળવાની અપેક્ષા છે. જો ચૂંટણીમાં મતગણતરીનું આ વલણ જારી રહ્યું તો NDAને 290થી 300 સીટો મળવાની ધારણા છે. જોકે ભાજપની સીટો ઘટશે એવી આશંકા છે. આ સાથે NDAમાં સામેલ અન્ય પક્ષોનો પ્રભાવ વધવાની ધારણા છે.
શું નીતીશ કુમાર બનશે કિંગમેકર?
ભાજપની આગેવાનીમાં NDAની સરકાર બનશે, પણ શક્યતા એ છે કે બિહારના CM નીતીસકુમાર આ વખતે કિંગ મેકરની ભૂમિકામાં હોઈ શકે છે. આંકડા જોઈએ તો ભાજપને હજી 243 સીટો પર આગળછ છે. જેથી NDA 297 સીટો પર અને ઇન્ડિયા એલાયન્સ 231 સીટો પર આગળ ચાલી રહ્યું છે. બિહારમાં નીતીશકુમારની પાર્ટી 15 સીટો પર આગળ ચાલી રહી છે. જેથી નીતીશકુમાર 15 સાંસદોની સાથે કિંગ મેકરની ભૂમિકામાં આવી શકે છે.
ભાજપને પશ્ચિમ બંગાળમાં આંચકો લાગ્યો છે. તાજા આંકડા મુજબ TMC 31, ભાજપ 10 અને કોંગ્રેસ એક સીટ પર આગળ ચાલી રહી છે, જ્યારે હરિયાણામાં કોંગ્રેસ પાંચ, ભાજપ ચાર અને આમ આદમી પાર્ટી એક સીટ પર આગળ ચાલી રહી છે.