નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં દેશમાં 93 બેઠકો પર આવતી કાલે મતદાન થશે. 11 રાજ્યોમાં કુલ 1352 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા સીટો પર સૌથી વધુ 658 અને મહારાષ્ટ્રની 11 લોકસભા બેઠકો પર 519 નામાંકન દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રની ઉસ્માનાબાદ લોકસભા સીટ પર સૌથી વધુ 77 નામાંકન પત્ર દાખલ કરવામાં આવ્યા છે.
ત્રીજા તબક્કામાં 1229 પુરુષ અને 123 મહિલાઓ મળી કુલ 1352 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી વિશ્લેષક સંસ્થા ADR (એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ)ના જણાવ્યાનુસાર ત્રીજા તબક્કાના ઉમેદવારો પૈકી 244 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે અને 392 જેટલા ઉમેદવાર કરોડપતિ છે. જેમાં ભાજપના ઉમેદવાર પલ્લવી શ્રીનિવાસ રૂ. 1361.68 કરોડ, જ્યોતિરાદિત્ય સિંધિયા રૂ. 424.75 કરોડ અને કોંગ્રેસના છત્રપતિ શાહુ શાહજી રૂ. 342.87 કરોડ રૂપિયા સંપત્તિ ધરાવે છે.
ત્રીજા તબક્કાના મતદાનમાં સાત કેન્દ્રીય મંત્રી અને ચાર પૂર્વ મુખ્ય મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે. કેન્દ્રીય મંત્રીઓની વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, લઘુ મધ્યમ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણે, સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી એસ. પી. સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, પર્યટન રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈક, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીનું ભાવિ સાત મેએ EVMમાં કેદ થશે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના બે પૂર્વ મુખ્ય મંત્રીઓ શિવરાજ સિંહ ચૌહાણ અને દિગ્વિજય સિંહ તેમ જ કર્ણાટકના બે પૂર્વ સીએમ બસવરાજ બોમ્મઇ અને જગદીશ શેટ્ટાર મેદાનમાં છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)