નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના સાતમાં તબક્કામાં આઠ રાજ્યોની 57 બેઠકો પર મતદાન ચાલુ છે. સાતમા તબક્કામાં ત્રણ વાગ્યા સુધી 49.68 ટકા મતદાન થઈ ચૂક્યું છે. સૌથી વધુ ઝારખંડમાં 60.14 ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં બશીરહાટ લોકસભામાં બયારબારીમાં TMC અને ભાજપના કાર્યકર્તાની વચ્ચે અથડામણ થઈ હોવાની અહેવાલ હતા. આ રાજ્યોમાંથી કુલ 904 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીના પરિણામ 4 જૂને જાહેર થશે.
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું છે અને ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહિલાઓએ રાજબારી પોલીસ ચોકીને ઘેરી લીધી છે. અહીં જબરદસ્ત નારાબાજી થઈ રહી છે.સાતમા તબક્કામાં ત્રણ કલાક સુધી બિહારમાં 43 ટકા, ચંડીગઢમાં 52.6 ટકા, હિમાચલ પ્રદેશમાં 58.4 ટકા, ઝારખંડમાં 60.1 ટકા, ઓડિશામાં 49.8 ટકા, પંજાબમાં 46.4 ટકા, ઉત્તર પ્રદેશમાં 46.8 ટકા અને પશ્ચિમ બંગાળમાં 58.5 ટકા મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધી 40.09 ટકા મતદાન થયું હતું.
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં ઉત્તર પ્રદેશ અને પંજાબની 13-13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર અને ઝારખંડની ત્રણ સીટો સામેલ છે. એ સાથે ચંડીગઢની એકમાત્ર સીટ પર મતદાન થશે.સાતમા તબક્કામાં આઠ રાજ્યોની 57 લોકસભા સિવાય ઓડિશામાં 42 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. આ સિવાય હિમાચલ પ્રદેશની છ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તબક્કામાં પંજાબ અને હિમાચલ પ્રદેશની તમામ લોકસભા સીટો પર મતદાન થશે.