નવી દિલ્હીઃ લોકસભાના સાતમા ચબક્કા દરમ્યાન પશ્ચિમ બંગાળમાં કેટલાય ભાગોમાંથી હિંસાના અહેવાલ ચે. રાજ્યના દક્ષિણ 24 પરગણા વિસ્તારમાં EVM તળાવમાં ફેંકવાના અને જાદવપુરમાં દેશી બોમ્બ માર્યાના અહેવાલ હતા. જેનાથી મતદાન પ્રક્રિયા અટકી ગઈ હતી. આનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
બંગાળમાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી અને ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયે સંદેશખાલીમાં દેખાવો કરી રહેલી મહિલાઓના વિડિયો શેર કર્યા હતા. તેમણે મમતા બેનરજી પર મતદાતાઓને ધમકાવવા માટે પાર્ટીના ગુંડાઓને અને રાજ્ય પોલીસને છૂટ આપવાનો આરોપ લગાવ્યો હતો. ઉત્તર પ્રદેશથી માંડીને પંજાબ અને હિમાચલ પ્રદેશમાં અનેક મોટા નેતાઓએ મતદાન કર્યું હતું. UPના CM યોગી આદિત્યનાથ, પંજાબના CM ભગવંત માન, કંગના રણોતે પણ મતદાન કર્યું હતું.
સાતમા તબક્કામાં 11 કલાક સુધી બિહારમાં 24.25 ટકા, ચંડીગઢમાં 25.03 ટકા, હિમાચલ પ્રદેશમાં 31.92 ટકા, ઝારખંડમાં 29.55 ટકા, ઓડિશામાં 22.64 ટકા, પંજાબમાં 23.91 ટકા, ઉત્તર પ્રદેશમાં 28.02 ટકા અને પશ્ચિમ બંગાળમાં 28.10 ટકા મતદાન થયું હતું. લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં ઉત્તર પ્રદેશ અને પંજાબની 13-13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર અને ઝારખંડની ત્રણ સીટો સામેલ છે. એ સાથે ચંડીગઢની એકમાત્ર સીટ પર મતદાન થશે.
સાતમા તબક્કામાં અન્ય દિગ્ગજ ઉમેદવારોમાં જોઈએ તો ગોરખપુરથી રવિ કિશન, હમીરપુરથી અનુરાગ ઠાકુર, ડાયમંડ હાર્બરથી TMCના અભિષેક બેનરજી, ભોજપુરી કલાકાર પવન સિંહ અને કેન્દ્રીય મંત્રીઓની કિસ્મતનો નિર્ણય EVMમાં કેદ થશે.