રાજ્યોના વિધાનસભાની ચૂંટણી સમયથી પહેલાં થવાની શક્યતા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પછી ચૂંટણી પંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. સૌથી પહેલાં મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ જમ્મુ-કાશ્મીર અને દિલ્હીમાં ચૂંટણી થવાની છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીપ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધી થઈ જવી જોઈએ.

 કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે જમ્મુ-કાશ્મીરની સાથે જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ ચૂંટણી કરાવી લેવામાં આવે. જ્યાં પહેલાં ઓક્ટોબરમાં ચૂંટણી થવાની હતી. આવામાં ત્રણે રાજ્યોમાં એકસાથે ચૂંટણી કરાવવા માટે વહીવટી તંત્રની તૈયારી તેજ કરવાની સાથે રાજકીય તૈયારી પણ તેજ થઈ ગઈ છે. ભાજપે ત્રણે રાજ્યોમાં ઉમેદવારોનાં નામોના એલાન કરવા માટે પસંદગી પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.બીજી બાજુ, દિલ્હીમાં વિધાસભા ચૂંટણી આગામી વર્ષે ફેબ્રુઆરીમાં થવાની છે, પણ રાજકીય પક્ષોએ ચૂંટણીપ્રચાર માટે કેપેનિંગ શરૂ કરી દીધું છે, કેમ કે ચૂંટણી પંચ તરફથી MCDને નોડલ અધિકારીઓ નિયુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચના આદેશનો સંકેત છે કે ચૂંટણી નિયત સમયથી પહેલાં થવાની શક્યતા છે. પંચે MCDને નિર્દેશ આપ્યા હતા કે એ કોર્પોરેશન કર્મચારીઓને ચૂંટણીથી જોડાયેલી ટ્રેનિંગ આપે.

ચૂંટણી પંચથી નિર્દેશ પ્રાપ્ત થતાં MCDએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્ષના અંત સુધીમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થવાની છે.

રાજ્યમાં ચૂંટણીની તારીખોનું એલાન ચૂંટણી પંચ ક્યારે કરશે, એ હજી નક્કી નતદી, પરંતુ મુખ્ય ચૂંટણી કમિશનર અને તેમની ટીમના અન્ય સભ્યોએ જમ્મુ-કાશ્મીરમાં મીટિંગ કરીને તૈયારી શરૂ કરી દીધી છે, જેથી એ વાતની પૂરી સંભાવના છે કે ચૂંટણી પંચ તારીખોનું એલાન ટૂંક સમયમાં કરશે.