I-N-D-I-Aમાં પડી ફૂટઃ કોંગ્રેસની દિલ્હી સીટો પર લડવાની તૈયારી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી, 2024ને લઈને ભાજપની વિરુદ્ધ 20થી વધુ વિરોધ પક્ષોના ગઠબંધન I-N-D-Aમાં અત્યારથી એક સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં સંગઠનને મજબૂત કરીને આગામી ચૂંટણી માટે બધી સાત સીટો પર તૈયારી કરવા નિર્દેશ આપ્યા છે. જે પછી આમ આદમી પાર્ટી (આપ)એ કહ્યું હતું કે જો કોંગ્રેસે દિલ્હીમાં ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો હતો તો I-N-D-I-A  ગઠબંધનની મીટિંગમાં જવાનો કોઈ અર્થ નથી, એમ સૂત્રોએ માહિતી આપી હતી. જોકે પાર્ટીએ કહ્યું હતું કે મુંબઈંમાં થનારી I-N-D-I-Aની આગામી બેઠકમાં જવાનો અથવા ના જવાનો નિર્ણય પાર્ટીની ટોચના નેતાઓ લેશે.

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આગામી વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા કરવા માટે બુધવારે દિલ્હીના નેતાઓ સથે બેઠક યોજી હતી. ખડગે સિવાય કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પાર્ટીના મહા સચિવ (સંગઠન) કેસી વેણુગોપાલ, કેન્દ્રીય મંત્રી અજય માકન, દિલ્હી એકમના પ્રમુખ ચૌધરી અનિલકુમાર, પ્રભારી દીપક બાબરિયા, અલકા લાંબા, જેપી અગ્રવાલ અને અન્ય નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

આ બેઠક આશરે ત્રણ કલાક ચાલી હતી. કોંગ્રેસ નેતા અલકા લાંબાએ જણાવ્યું હતું કે આ બેઠકમાં લોકસભાની 2024ની ચૂંટણી ની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસની બેઠક પર પલટવાર કરતાં આપના સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે હવે I-N-D-I-Aના ઘટક પક્ષો મળીને સીટોની વહેંચણી પર ચર્ચા કરશે, ત્યારે માલૂમ પડશે કે કયા પક્ષે કેટલી સીટો મળી રહી છે.