નવી દિલ્હીઃ દેશમાં હવામાનમાં ઊથલપાથલ ચાલી રહી હોવાને કારણે નૈઋત્યના ચોમાસાએ આ વખતે મોડી વિદાય લીધી છે. હજી અમુક જ દિવસો પહેલાં ઘણા રાજ્યોમાં કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો હતો. આને કારણે આ વખતે શિયાળાની મોસમમાં ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડવાની સંભાવના છે.
એક અહેવાલ અનુસાર, આ વખતે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઉત્તર ભારતમાં લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સુધી નીચે રહેવાની સંભાવના છે. પેસિફિક (પ્રશાંત) મહાસાગરમાં હવામાનના સર્જાયેલા ‘લા નીના’ પરિબળને કારણે ભારત તથા આસપાસના દેશોના હવામાનમાં મોટો ફેરફાર થવાની ધારણા છે. ‘લા નીના’ પરિબળ સર્જાય છે ત્યારે પવન પેસિફિક મહાસાગરના તળિયેથી વધારે ઠંડા અને ઊંડા પાણીને ઉપરની તરફ લાવે છે. એને કારણે ઉત્તરીય ગોળાર્ધમાં તાપમાન ઘટી જાય છે પરિણામે ઠંડી વધારે કાતિલ બને છે.
‘અલ નીનો’ અને ‘લા નીના’, આ બે હવામાનમાં ફેરફારો સૂચવતા પરિબળો છે.
‘અલ નીનો’ પરિબળ વખતે સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ઘણું – 4-5 ડિગ્રી જેટલું વધી જાય છે. એને કારણે હવામાનમાં ગરમી વધે છે. ‘અલ નીનો’ વખતે મધ્ય અને પૂર્વીય ભૂમધ્યરેખીત પેસિફિક મહાસાગરમાં સમુદ્રની સપાટીનું પાણી અસાધારણ રીતે ગરમ થઈ જાય છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહેતો પવન નબળો પડે છે અને પશ્ચિમી પેસિફિક ક્ષેત્રમાં રહેતો ગરમ પવન ભૂમધ્ય રેખા પરથી પૂર્વ તરફ ફૂંકાય છે. ધારો કે અલ નીનો દક્ષિણ અમેરિકાની તરફ સક્રિય હોય તો ભારતમાં એ વર્ષે વરસાદ ઓછો પડે છે.
‘લા નીના’ પરિબળ ત્યારે સર્જાય છે જ્યારે પૂર્વ દિશાથી વહેતા પવન (ટ્રેડ વિન્ડ)ની ગતિ ઘણી ઝડપી બની જાય છે. એને કારણે ભૂમધ્યરેખીત પેસિફિક મહાસાગરની સપાટીનું તાપમાન ઘણું ઘટી જાય છે. એને કારણે દુનિયાભરમાં ઠંડી વધી જાય છે. ભારતમાં એ વખતે ભયંકર ઠંડી પડે છે અને વરસાદ પણ સારો એવો પડે છે.
રાહતની વાત એ છે કે આ બંને પરિબળ દર વર્ષે નહીં, પણ 3-7 વર્ષે સર્જાય છે.
