કુમારસ્વામીએ કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા

બેંગલુરુ – અત્રે ભવ્ય સમારોહમાં જનતા દળ (સેક્યૂલર)ના વડા એચ.ડી. કુમારસ્વામીએ કર્ણાટકના 24મા મુખ્ય પ્રધાન તરીકે આજે શપથ લીધા છે. કુમારસ્વામી જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકારના વડા બન્યા છે.

રાજ્યપાલ વજુભાઈ વાળાએ આજે સાંજે 4.30 વાગ્યે રાજ્ય સચિવાલય ખાતે કુમારસ્વામીને હોદ્દાના શપથ લેવડાવ્યા છે. એ પ્રસંગે દેશભરમાંથી રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરના વિવિધ વિરોધ પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસના જી. પરમેશ્વરે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે.

કુમારસ્વામીના સત્તારૂઢ થવાના પ્રસંગે એમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન દેવે ગૌડા, કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, રાહુલના માતા સોનિયા ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવાર, તૃણમુલ કોંગ્રેસના મમતા બેનરજી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, બહુજન સમાજ પાર્ટીનાં માયાવતી, તેલુગુ દેસમ પાર્ટીના એન. ચંદ્રાબાબુ નાયડુ, શરદ યાદવ, સીતારા યેચુરી, તેજસ્વી યાદવ ઉપસ્થિત રહ્યાં હતાં.

224 બેઠકોની કર્ણાટક વિધાનસભામાં 222 બેઠકો માટે મતદાન થયું હતું. કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. ભારતીય જનતા પાર્ટી 104 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્યો છે, પણ એ બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે.

કોંગ્રેસને 78 અને જનતા દળ (એસ)ને 38 બેઠકો મળી છે. બંનેએ સાથે મળીને સરકાર બનાવી છે. રાજ્યપાલ વાળાએ કુમારસ્વામીને ગુરુવારે વિધાનસભામાં બહુમતી સાબિત કરવા જણાવ્યું છે.