પાકિસ્તાની ફાયરિંગમાં 4 લોકોના મોત, 40 હજારથી વધુ ઘર છોડવા મજબૂર

શ્રીનગર- રમઝાન મહિનામાં પણ પાકિસ્તાન તેની ‘નાપાક’ હરકતો ઓછી કરવાનું નામ નથી લઈ રહ્યું. થોડા દિવસો પહેલાં BSFની જવાબી કાર્યવાહીથી ડરી ગયેલા પાકિસ્તાને ભારતને ફાયરિંગ રોકવા અનુરોધ કર્યો હતો. પરંતુ ફરી એકવાર પાકિસ્તાને યુદ્ધવિરામ ભંગ કરવાનું દુ:સાહસ કહ્યું છે.જમ્મુ-કશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં બુધવારે ચાર લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ થયાના સમાચાર છે. પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહેલા ફાયરિંગને કારણે સરહદી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે અને 40 હજાર જેટલા લોકો પોતાનું ઘર છોડી પલાયન કરવા મજબૂર થયા છે.

પાકિસ્તાની સૈનિકો દ્વારા જમ્મુ, કઠુઆ અને સામ્બા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરદહ પાસે આવેલા ભારતીય ગામો અને ચોકીઓને ટાર્ગેટ કરીને પાકિસ્તાન દ્વારા મોર્ટારનો મારો ચલાવવામાં આવ્યો અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની ફાયરિંગમાં 8 વર્ષના એક બાળકનું પણ મોત થયું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ સામ્બા સેક્ટરમાં કરવામાં આવેલા ફાયરિંગમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 6 અન્ય ઘાયલ થયા હતા.

આ પહેલા રાજ્યના સીએમ મહેબુબા મુફ્તીએ LoC પાસે આવેલા ગામોની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. જમ્મુના કાઠુઆમાં હિરાનગર સેક્ટરમાં પાકિસ્તાની સેના દ્વારા ભારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આર.એસ. પુરા સેક્ટરમાં પણ પાકિસ્તાને મોર્ટારનો મારો ચલાવ્યો હતો. જેમાં અહીંના સ્થાનિકોના ઘરો અને વાહનોને મોટું નુકસાન થયું છે.