તિરુવનંતપૂરમ – સતત ચાલુ રહેલા ભારે વરસાદને કારણે તેમજ ડેમના દરવાજા ખોલી દેવાતા પાણીનો મોટો પ્રવાહ પેરિયાર નદીમાં ઠલવાતાં એરપોર્ટ એરિયામાં પૂર આવ્યું છે. આને કારણે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટને 18 ઓગસ્ટ, શનિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એરપોર્ટ પર તમામ પ્રકારની ફ્લાઈટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
રાજ્યના મુખ્ય પ્રધાન પી. વિજયનને સચિવાલય ખાતે તાકીદની બેઠક બોલાવી હતી અને કોચીના નેવલ એરપોર્ટ ખાતે નાના વિમાનોને ઉતરાણ કરવા દેવાની કેન્દ્ર સરકાર પાસે પરવાનગી માગી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફોન કરીને વિજયન સાથે કેરળની પૂરપરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ સહાયતાની ખાતરી આપી હતી.
કોચી એરપોર્ટે પહેલા આજે સવારે 4-7 વાગ્યા સુધી આગમન કામગીરીઓને બંધ રાખી હતી. ત્યારબાદ નક્કી કર્યું હતું કે એરપોર્ટ બપોરે બે વાગ્યા સુધી બંધ રહેશે. બાદમાં નવી સૂચના આવી કે એરપોર્ટ પર તમામ કામગીરીઓ શનિવાર બપોર સુધી બંધ રખાશે.
કેરળમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓએ અત્યાર સુધીમાં 67 જણનો ભોગ લીધો છે. રાજ્યના 14માંથી 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ ઘોષિત કરાયું છે.
હવામાન વિભાગની આગાહી છે કે તિરુવનંતપુરમ, કોલ્લમ, અળાપૂડા, પઠનમમિટ્ટા, કોટ્ટાયમ, ઈડુક્કી, એર્નાકુલમ, થ્રિસુર અને કોઝીકોડે જિલ્લાઓમાં તેજ ગતિવાળા પવનની સાથે ભારે વરસાદ પડશે.