નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024માં જીત હાંસલ કરવા માટે રાજકીય પક્ષો વચ્ચે OBC વર્ગના મતો પર કબજો કરવા માટે જંગ લડવામાં આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ- બંનેના પ્રયાસ છે કે આશરે 52 ટકા વસતિવાળી આ મતબેન્કનો મોટો હિસ્સો પોતાના તરફ ખેંચવામાં આવે છે. ભાજપ ચૂંટણીપ્રચાર દરમ્યાન OBC માટે કરવામાં આવેલાં કામોને ગણાવી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ સતત જાતિગત જનગણતરી કરવાની માગ કરી રહી છે.
એક સર્વે મુજબ 2014માં OBC મતદાતાઓએ ભાજપને 34 ટકા મતો આપ્યા હતા, જ્યારે 2019માં એ વધીને 44 ટકા મતો થયા હતા. છેલ્લાં 10 વર્ષોમાં ભાજપે OBC માટે સક્રિયતા વધારી છે અને 2009ની તુલનાએ આ સમુદાયના 20 ટકા મતો હાંસલ કરવામાં સફળતા મેળવી છે. જેથી ભાજપની સીટોમાં ઉત્તરોત્તર વધારો થયો છે. ભાજપને અપર OBC અને લોઅર OBC વધુ લાભ મળ્યો છે.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને અપર OBCના 15 ટકા અને લોઅર OBCના 16 ટકા મત મળ્યા હતા, જ્યારે 2019માં કોંગ્રેસને 15-15 ટકા મતો મળ્યા હતા. જેથી એ સ્પષ્ટ છે કે 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં OBCના કોંગ્રેસની તુલનાએ ભાજપને મોટી સંખ્યામાં મતો મળ્યા હતા અને એની સીધી અસર કોંગ્રેસના દેખાવ પર પડી હતી.
આ સર્વે કહે છે કે જો ભાજપ અને કોંગ્રેસને 30 ટકાથી ઓછા OBC મતો મળે છે તો કેન્દ્રમાં એ પાર્ટીને સ્પષ્ટ બહુમત નહીં મળે, પણ જોકોઈ પક્ષ 30 ટકાથી વધુ OBC મત મેળવશે તો એને સરકાર બનાવવા માટે જાદુઈ આંકડો (272)થી વધુ સીટો મળી જાય છે.