લખનૌઃ ઉત્તર પ્રદેશના રાજકારણમાં હાલના સમયે ભાજપ માટે બધું સમુંસૂતરું નથી ચાલી રહ્યું. લોકસભા ચૂંટણીમાં મળેલા ઝટકા પછી અંદરનો કલહ ખૂલીને સામે આવી ગયો છે. ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મૌર્ય અને પ્રદેશાધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે.
મૌર્યએ હાલમાં થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે સરકાર અને સત્તાથી મોટું સંગઠન હોય છે. તેમણે નામ લીધા વિના CM યોગી પર નિશાન સાધ્યું હતું. ભાજપનું એક જૂથ ઉત્તર પ્રદેશમાં સત્તા પરિવર્તનની માગ કરી રહ્યું છે. જેથી UPના રાજકારણમાં ગરમાવો છે. ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય ત્રિભુવન રામે કહ્યું હતું કે પાર્ટી દલિતોને પોતાની સાથે જોડવામાં અસફળ રહી છે.વળી, પાર્ટીમાં દબાયેલા સ્વરે કાર્યકરો કહે છે કે કેશવ પ્રસાદ મૌર્યના સંબંધો CM યોગી સાથે ક્યારેય સહજ નથી રહ્યા.
કેશવ મૌર્યે હાલમાં કાર્યકર્તાઓને કહ્યું હતું કે જે તમારું દર્દ છે, એ મારું પણ દર્દ છે અને ભાજપમાં સરકારથી મોટું સંગઠન છે, સંગઠન હતું અને રહેશે. બીજી બાજુ મુખ્ય મંત્રીના નિશાના પર સંગઠન હતું અને એટલે તેમણે અતિ આત્મવિશ્વાસ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ચૂંટણીનાં પરિણામોથી કોઈને બેકફૂટ પર જવાની જરૂર નથી.હવે સવાલ એ છે કે લોકસભામાં ઉત્તર પ્રદેશનાં ચૂંટણી પરિણામો હારની જવાબદારી કોની? શું ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં CM યોગી આદિત્યનાથને દૂર કરવાનું જોખમ લેવાની સ્થિતિમાં છે?