કેરળમાં પૂરની પરિસ્થિતિ વકરી; બંધમાંથી પાણી છોડાતાં અનેક વિસ્તારો જળબંબાકાર

તિરુવનંતપુરમ – કેરળમાં પૂરની પરિસ્થિતિ આજે વધારે ખરાબ થઈ હતી. ઈડુક્કી હાઈડેલ પ્રોજેક્ટના તમામ પાંચ દરવાજા આજે ખોલી દેવામાં આવ્યા હતા અને બીજાં બે ડઝનથી પણ વધારે બંધનાં દરવાજા ખોલી દેવાતાં રાજ્યના અનેક ભાગોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં. રાજ્યમાં છેલ્લા અનેક દાયકાઓમાં આ વખતે અભૂતપૂર્વ વરસાદ પડ્યો છે.

પૂરને કારણે અત્યાર સુધીમાં 29 જણનાં મરણ નિપજ્યાં છે.

ઈડુક્કી, એર્નાકુલમ, માલાપુરમ, કોઝીકોડે, વાયનાડ, કાણનૂર જિલ્લાઓમાં સૌથી વધારે કફોડી પરિસ્થિતિ છે. આ જિલ્લાઓમાં હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે લશ્કરને તહેનાત કરવામાં આવ્યું છે.

ઈડુક્કી ડેમનાં પાંચેય દરવાજા ખોલી દેવાતાં પાણીનો ધસમસતો પ્રવાહ પેરિયાર નદીમાં ખાબક્યો હતો, પરિણામે અનેક ખેતરોમાં પાણી ઘૂસી ગયું હતું જેને કારણે પાકનો નાશ થઈ ગયો હતો. સૌથી વધારે ખરાબ અસર ચેરુથોની નગરમાં થઈ છે, જે આ ડેમની સૌથી નજીક છે.

રાજ્યના બીજા ભાગોમાં વરસાદનું જોર આજે ઘટી ગયું હતું.

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ રવિવારે કેરળની મુલાકાતે આવશે અને પૂરની પરિસ્થિતિનું અવલોકન કરશે. એમણે આજે કેરળના મુખ્ય પ્રધાન વિજયન સાથે ફોન પર વાતચીત કરી હતી અને કેન્દ્ર તરફથી તમામ પ્રકારની સંભવિત સહાય કરવાનું વચન આપ્યું હતું.