હવે પોલિસને નહીં બતાવવા પડે DL અને ગાડીના કાગળો, ફોનથી થશે કામ

નવી દિલ્હી- પોતાના ખાનગી વાહનોમાં મુસાફરી કરતા લોકો માટે કેન્દ્રની મોદી સરકાર તરફથી સારા સમાચાર આવ્યા છે. હવે તમારે યાત્રા દરમિયાન તમારી પાસે હંમેશા ડ્રાઈવિંગ લાઈસન્સ અને વાહન નોંધણી પ્રમાણપત્ર રાખવાની જરુર નથી. હવે કાગળને બદલે તમારા મોબાઇલથી જરુરના સમયે તેનો ઉપયોગ કરી શકશો.જોકે,  સુવિધાનો લાભ લેવા માટે તમારે કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા ડિજિટલ લોકર અથવા પરિવહન મંત્રાલયના એમપરિવહન પર તમારી વિગતો મુકવી પડશે.

ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહનોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને ભૌતિકરુપે સાથે રાખવાની અનિવાર્યતાને દુર કરવા કેન્દ્ર સરકારે રાજ્યોને સલાહ આપી છે કે, તેઓ આ પ્રકારના બધા જ દસ્તાવેજોને ડિજિલોકર અથવા એમપરિવહન પ્લેટફોર્મના માધ્યમથી ઈલેક્ટ્રોનિક સ્વરુપમાં પ્રસ્તુત કરવા પર તેમનો સ્વીકાર કરવામાં આવે.

માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે રાજ્યોને જણાવ્યું છે કે, સત્તાવાર પ્લેટફોર્મ દ્વારા સબમિટ કરવામાં આવેલા ઇલેક્ટ્રોનિક ફોર્મના લાઈસન્સ, નોંધણી પ્રમાણપત્ર અથવા અન્ય દસ્તાવેજ ડ્રાઇવિંગ પરિવહન સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્રો જેટલા મહત્વના ગણવામાં આવશે.

સરકારે આ માટે એક વેબસાઇટ digilocker.gov.in બનાવી છે. અહીંથી તમે ડિજિલોકર એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ આપ ડિજિલોકર એકાઉન્ટ ખોલી શકો છો. આ માટે તમારે મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. ત્યારબાદ વન ટાઇમ પાસવર્ડ (OTP) તમારા મોબાઇલ નંબર પર દેખાશે જેના દ્વારા આપ મોબાઇલ નંબર પ્રમાણિત કરી શકો છો.

પછી તમારે યુઝરનેમ અને પાસવર્ડ પસંદ કરવાનો રહેશે. ડિજિલોકર એકાઉન્ટ બનાવ્યા બાદ તમે તમારા દસ્તાવેજને અપલોડ કરી શકો છો. આ ઉપરાંક ડિજિલોકરની અન્ય સેવાઓનો લાભ મેળવવા માટે તમે તમારા આધાર નંબરનો ઉપયોગ પણ કરી શકો છો.