રાજીવ ગાંધીના હત્યારાઓને સજામુક્ત કરવાની માગ કેન્દ્ર સરકારે નકારી

નવી દિલ્હી- કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે, પૂર્વ પીએમ રાજીવ ગાંધીના હત્યાકાંડના સાત દોષિતોને સજામુક્ત કરવાના તામિલનાડુ સરકારના પ્રસ્તવનું કેન્દ્ર સરકાર સમર્થન કરતી નથી. કારણકે આવા ગુનેગારોને સજામુક્ત કરવાથી ખતરનાક પરંપરાની શરુઆત થશે અને તેના આંતરરાષ્ટ્રીય પરિણામો આવશે. જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ નવીન સિંહા અને જસ્ટિસ કે.એમ. જોસેફના ત્રણ સદસ્યોની ખંડપીઠે આ સંદર્ભમાં ગૃહમંત્રાલય દ્વારા દાખલ કરાયેલા દસ્તાવેજનો અભ્યાસ કર્યા બાદ મામલાની સુનાવણી સ્થગિત કરી હતી.સર્વોચ્ચ અદાલતે 23 જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, તામિલનાડુ સરકારના 2016ના પત્ર અંગે ત્રણ મહિનામાં નિર્ણય કરે. આપને જણાવી દઈએ કે, તામિલનાડુ સરકાર રાજીવ ગાંધીની હત્યાના સાત આરોપીઓને મુક્ત કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની સહમતિ ઈચ્છે છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે 2 માર્ચ 2016ના રોજ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો.

તામિલનાડુ સરકારના પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારે રાજીવ ગાંધીની હત્યાના સાત દોષિતોને સજામુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટના વર્ષ 2015ના આદેશ મુજબ આ માટે કેન્દ્ર સરકારની અનુમતિ લેવી અનિવાર્ય છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ વી.બી. દુબેએ કોર્ટમાં દાખલ કરેલા તેના સોગંદનામામાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કલમ 435નું પાલન કરતા તામિલનાડુ સરકારના 2 માર્ચ 2016ના પત્રના અનુસંધાને પૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યાના સાત આરોપીઓની સજાને માફ કરવાના પ્રસ્તાવ સાથે સહમત નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]