સ્વાતિ માલીવાલના સવાલ પર કેજરીવાલનું અકળ મૌન

લખનૌઃ ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં SP-AAPની સંયુક્ત પત્રકાર પરિષદ થઈ હતી. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને SP પ્રમુખ અખિલેશ યાદવે પત્રકારો સાથે વાતચીત કરતાં લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા બ્લોકના જીતવાના દાવા કર્યા હતા. જોકે જ્યારે કેજરીવાલને સ્વાતિ માલીવાલથી ગેરવર્તણૂક વિશે સવાલ પૂછવામાં આવતાં તેમણે મૌન ધારણ કરી લીધું હતું.

જોકે આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે માઇક સંભાળી લીધું હતું અને ભાજપ પર સવાલ કર્યા હતા. તેમણે મણિપુરથી માંડીને સેક્સ કૌભાંડમાં ફસાયેલા પ્રજવલ્લા રેવન્ના મામલે ભાજપને જવાબ આપવા માટે કહ્યું હતું.

આમ આદમી પાર્ટી અમારો પરિવાર છે. પાર્ટીએ પોતાના પક્ષ રજૂ કરી દીધો છે, પરંતુ દેશના અમે જેટલા પણ અમે મુદ્દા ઉઠાવીએ, એના પર PM અને ભાજપે જવાબ આપવો જોઈએ. સ્વાતિ માલીવાલના મુદ્દે ભાજપે જવાબ આપવો જોઈએ. જ્યારે સ્વાતિએ પહેલવાનો સાથે મુલાકાત કરી હતી, ત્યારે જંતરમંતર પર ગયાં હતાં, ત્યારે તેમની સાથે ગેરવર્તન થયું હતું-એનો જવાબ ભાજપે આપવો જોઈએ. સ્વાતિના મુદ્દે રાજકારણ રમાવું ના જોઈએ. ભાજપે મણિપુર મુદ્દે જવાબ આપવો જોઈએ, એમ સંજય સિંહે કહ્યું હતું.

આપના સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલામાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ઘણા દિવસો વીતી ગયા પછી પણ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના PA સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.  PA બિભવ પર હુમલો કરવાનો અને અભદ્રતાનો આરોપ છે. કેજરીવાલ સ્વાતિ માલીવાલના મામલે કંઇ પણ બોલવાનું ટાળી રહ્યા છે. તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું નથી કે શું કાર્યવાહી કરવામાં આવશે. જોકે અત્યાર સુધી દિલ્હી પોલીસને આ મામલે ફરિયાદ દાખલ કરવા માટે પણ કહેવામાં આવ્યું નથી.