ચૂંટણી પહેલાં કેજરીવાલની મહિલાઓને પ્રતિ માહ રૂ. 1000ની ભેટ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 પહેલાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે એલાન કરતાં કહ્યું હતું કે દિલ્હીની મહિલાઓને આપ સરકારે જે વચન આપ્યું હતું, એને હવે પૂરું કર્યું છે. તેમણે મહિલા સન્માન યોજનાની ઘોષણા કરી છે. દિલ્હી કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી મળી છે. જે પછી ભૂતપૂર્વ CMએ આમ આદમી પાર્ટીની ઓફિસમાં એનું એલાન કર્યું છે.

આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી મહિલાઓના ખાતામાં પ્રતિ માહ સરકાર રૂ. 1000 ટ્રાન્સફર કરશે. આટલું જ નહીં, કેજરીવાલે ઘોષણા કરી હતી કે ચૂંટણી પછી મહિલાઓને રૂ. 1000ની જગ્યાએ રૂ. 2100 આપશે. આ યોજના માટે આવતી કાલથી ( 13 ડિસેમ્બર)થી મહિલાઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.આ પ્રસંગે કેજરીવાલે કહ્યું હતું કે આજે બે મોટી ઘોષણા કરી રહ્યો છું અને એ બંને દિલ્હીની માતાઓ-બહેનો માટે છે. અમે વચન આપ્યું હતું કે પ્રતિ મહિને મહિલાઓના ખાતામાં રૂ. 1000 નાખીશું. આજે કેબિનેટે એ ઠરાવને પાસ કરી દીધો છે. હવે મહિલાઓએ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જેનું રજિસ્ટ્રેશન થયું છે, તેમના એકાઉન્ટમાં રૂ. 1000 પ્રતિ મહિને આવવાનું શરૂ થઈ જશે.

અમે આ યોજનાને ગયા એપ્રિલમાં શરૂ કરવાના હતા, પરંતુ આ લોકોએ ખોટા કેસમાં મને જેલમાં મોકલી દીધો હતો. જેલમાં 6-7 સાત મહિના રહ્યો અને બહાર આવ્યા પછી આ યોજના લાગુ કરવા માટે CM આતિશીની સાથે જોડાયો હતો. આજે એ યોજના લાગુ થઈ ગઈ છે. આ યોજનામાં સરકારનો ખર્ચ નહીં થાય, પણ દિલ્હી સરકારને લાભ થશે.

દિલ્હીમાં આશરે 67 લાખ મહિલાઓ છે, જેમાંથી આશરે 38 લાખ મહિલાઓ આયોજના માટે પાત્ર હશે. આ પહેલાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી પહેલાં સત્તારૂઢ પાર્ટીઓએ આ પ્રકારની યોજના થકી મહિલા વોટ બેન્ક પોતાના પક્ષમાં કરી હતી. આવામાં સુપ્રીમો અરવિંદ કેજરીવારને આશા છે કે દિલ્હીની વિદાનસભા ચૂંટણીમાં મહિલા સન્માન યોજનાથી લાભ થશે.